દેશમાં ધાર્મિક ઉત્સવો દરમિયાન હિંસાના બનાવો સામે આવી રહ્યા છે. આવા સમયે ડાંગમાં (Dang) જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગની (De-listing) માગ સાથે રેલીનું (Rally) આયોજન કરવામાં આવ્યું હતું. જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આયોજિત કાર્યક્રમનો મુખ્ય મુદ્દો ધર્માંતરણ (Conversion) કરનાર લોકોને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી બહાર કાઢવાનો છે. ડાંગના મુખ્ય મથક આહવામાં રંગઉપવન ખાતે આદિવાસી સમાજ દ્વારા હાથમાં પ્લેકાર્ડ સાથે જય શ્રી રામના નારા સાથે મોટી રેલી યોજવામાં આવી. સાથે જ એક જનસભા પણ સંબોધવામાં આવી. જનજાતિ સુરક્ષા મંચની માગ છે કે હિન્દૂ ધર્મ છોડી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ અપનાવનાર લોકોને કોઈ પણ પ્રકારના સરકારી લાભ ન મળે એ માટે ધર્મથી વિમુખ થયેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિમાંથી બહાર કાઢવામાં આવે.
હાલમાં અચાનક ફરી ધર્માંતરણના મુદ્દા ઉઠી રહ્યા છે, ત્યારે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગની માગ ઉઠી છે. ડાંગ જિલ્લામાં 40 ટકા વસ્તી ખ્રિસ્તી સમાજની છે. ત્યારે હિન્દૂ ધર્મ છોડી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ અપનાવનાર લોકોને આ રેલી દ્વારા જાણે એક પ્રકારની ચીમકી આપવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દક્ષિણ ગુજરાતના સંયોજક વસંત ગામીતે ધર્મ પરિવર્તન કરી જનારા લોકોને મંચ ઉપરથી ચેતવણી આપતા કહ્યું હતું કે, હજુ સમય છે મૂળ સંસ્કૃતિ અને મૂળ ધર્મને અપનાવી લેજો નહિતર ડી-લિસ્ટિંગનો કાયદો બની જશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો.
ડાંગ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દળવીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે આપણા પૂર્વજો હિન્દૂ હતા એટલે આપણા બાળકોના ભવિષ્ય માટે સમજી વિચારીને ફરી સનાતન ધર્મમાં આવી જાવ નહીં તો તમને મળતા લાભો બંધ થઈ જશે.
આ પણ વાંચો: Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો