દાહોદના લીમખેડા તાલુકાના માજી ધારાસભ્ય દારૂણ ગરીબીમાં જીવતા હોવાનુ સામે રહ્યુ છે. લીમખેડા તાલુકાના માજી ધારાસભ્ય વિરસિંહજી મોહનિયા આજે પણ કફોડી સ્થિતિમાં રહે છે. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે બે વખત ધારાસભ્ય રહ્યા હોવા છતા તેમને કોઈ પેન્શન નથી મળતુ. આ માટે તેમણે અનેકવાર સરકારને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે. પરંતુ તેનુ કંઈ પરિણામ આવ્યુ નથી. Tv9 સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ કે આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કર હતી છતા તેમને પેન્શન નથી મળી રહ્યુ.
વિરસિંહ મોહનિયા 1972માં લીમખેડા વિધાનસભા બેઠક પરથી જનતા દળના ઉમેદવાર હતા અને બે વખત ધારાસભ્ય બન્યા છે. આજીવન સમાજની સેવા કરનાર અને ગરીબીમાં પોતાનું ગુજરાન ચલાવનાર આ રાજકીય નેતાને સરકાર પાસે માત્ર પેન્શનની આશા છે. એક તરફ નવા ધારાસભ્યો ચૂંટાયા છે તો બીજી તરફ માજી ધારાસભ્યની વેદના સામે આવી છે.
વિરસિંહજી અનેકવાર સરકારને રજૂઆત કરી ચુક્યા છે. તેમણે જણાવ્યુ કે તેમને સરકાર તરફથી પણ જવાબ આવ્યો છે. એ કાગળનાં લખ્યુ છે કે તમારા પેન્શન અંગેની તપાસ શરૂ છે અને તપાસ પૂરી થયા બાદ જાણ કરવામાં આવશે. જો કે માજી ધારાસભ્ય જણાવે છે કે આજ સુધી તેમને આ અંગેની કોઈ જાણ કરી નથી. તેમના પુત્ર જણાવે છે તેમના પિતા રાજકારણમાંથી નિવૃત થયા પછી તેમને ઘણી પાયમાલીનો સામનો કરવો પડ્યો છે. ટંકે ટંકના ખાવાના પણ ફાંફાં પડતા હતા તેવી દયનિય સ્થિતિ હતી. ત્યારબાદ ધીમે ધીમે તેમણે ખેતીકામ શરૂ કર્યુ.
2001માં તળાવો બાંધવાનું કામ શરૂ થતા તેઓ તેમા મજૂરી કામ પણ કરવા જતા હતા. શિયાળુ પાક માટે કૂવામાં પાણી ન હોવાથી કોતરોમાંથી પાણી લાવીને પાક બચાવતા હતા. આવી હાડમારીભરી સ્થિતિમાં તેમણે શરૂઆતના 8થી10 વર્ષ ગુજાર્યા છે અને હજુ પણ કંઈ બહુ સારી કહી શકાય તેવી સ્થિતિ નથી. વિરસિંહ જણાવે છે કે હાલ તેમને પેન્શનની ઘણી જરૂર છે અને સરકાર તેમનુ પેન્શન બાંધી આપે તો તેમની સ્થિતિ થોડી ઘણી સુધરે તેવી તેઓ માગ કરી રહ્યા છે.