Dahod: બાળકોને સંજીવની યોજના હેઠળ અપાતુ દુધ તળાવમાં ઢોળી દેવાયુ, ICDS વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ

દાહોદમાં (Dahod) જિલ્લા ICDS શાખાની ગંભીર બેદરકારી હોવાનુ સામે આવ્યુ છે. દાહોદ જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજનાના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે.

Dahod: બાળકોને સંજીવની યોજના હેઠળ અપાતુ દુધ તળાવમાં ઢોળી દેવાયુ, ICDS વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ
Milk given to children under Sanjeevani scheme spilled in lake
| Edited By: | Updated on: May 17, 2022 | 5:49 PM

એક તરફ સરકાર દૂધ સંજીવની યોજના (Gujarat Government scheme) હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જો કે એ પછી આ યોજનાનો લાભ બાળકો સુધી પહોંચે છે કે કેમ તે એક સવાલ છે. દાહોદ (Dahod) જિલ્લાની આંગણવાડીમાં (Anganwadi) લોલં લોલ ચાલતી હોવાનું સામે આવ્યુ છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટી ગામે આંગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ (Milk) તળાવમાં ફેંકેલું જોવા મળ્યું છે. ત્યારે બાળકોને દૂધ નહીં આપીને દૂધને તળાવમાં ફેંકી દેવાતા જિલ્લા આઇસીડીએસ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

દૂધ સંજીવની યોજનાનામાં ભ્રષ્ટાચાર !

દાહોદમાં જિલ્લા ICDS શાખાની ગંભીર બેદરકારી હોવાનુ સામે આવ્યુ છે. દાહોદ જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજનાના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે. ફતેપુરા તાલુકાના પાટી ગામની આંગણવાડીઓમાં બાળકોને અપાતા દૂધના પેકેટ તળાવમાં ફેંકાયેલી હાલતમાં જોવા મળ્યા હતા.

બાળકોના પેટમાં જવાને બદલે તળાવમાં વિસર્જિત કરાયુ દુધ

એક તરફ સરકાર દૂધ સંજીવની યોજના પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે અને બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીને લીધે દૂધ ગરીબ બાળકના પેટમાં જવાને બદલે તળાવમાં વિસર્જિત થઇ જાય છે. જેને લઇને ખાદ્યપદાર્થોના આવા બગાડને લીધે ICDS વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

સાત વર્ષ પહેલા શરૂ થઇ હતી દૂધ સંજીવની યોજના

દુધ સંજીવની યોજના વર્ષ 2014-15 શરૂ કરાઇ હતી. શાળાના વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં કુપોષણ દર ઘટાડવા માટે થઈને આ યોજના અમલી બનાવાઈ હતી. સાત વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કુપોષિત બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દૂધસંજીવની યોજના શરૂ કરી હતી.

યોજનામાં આટલુ દુધ વિતરણ કરવામાં આવે છે

આ યોજનાની વાત કરીએ તો અઠવાડિયાના પાંચ દિવસ 200 મિલીગ્રામ ફલેવર્ડ દૂધ વિતરણ કરવામાં આવે છે. આ પાછળ દૈનિક બાળકદીઠ એક પાઉચના રૂ. 7.50ના ધોરણે ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. શૈક્ષણિક કાર્યના 200 દિવસો સુધી લાભ મળે છે.