Breaking News : આગ બુઝાવવા નહીં, MLA નો બંગલો ચમકાવવા ફાયર ફાઈટર પહોંચ્યું! જુઓ Viral Video

દાહોદના દેવગઢ બારિયામાં ધારાસભ્ય બચુ ખાબડના નિવાસસ્થાનની સફાઈ માટે ફાયર ટેન્ડરના ઉપયોગ પર વિવાદ સર્જાયો છે. ઇમરજન્સી ન હોવા છતાં ફાયર વિભાગ દ્વારા સરકારી ગાડીનો ઉપયોગ વ્યક્તિગત હેતુ માટે કરાયાના આક્ષેપો થયા છે.

Breaking News : આગ બુઝાવવા નહીં, MLA નો બંગલો ચમકાવવા ફાયર ફાઈટર પહોંચ્યું! જુઓ Viral Video
| Edited By: | Updated on: Oct 05, 2026 | 11:47 AM

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા વિસ્તારમાં એક અસામાન્ય અને ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુ ખાબડના નિવાસસ્થાનની સફાઈ માટે દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર ટેન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટનાને પગલે વ્યાપક વિવાદ સર્જાયો છે અને દેવગઢ બારિયા નગરપાલિકાનું ફાયર વિભાગ તેમજ સંબંધિત અધિકારીઓ સવાલોના ઘેરામાં આવી ગયા છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર, બચુ ખાબડના બંગલાની સફાઈ માટે ફાયર ફાઈટરનો ઉપયોગ કરાયો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે, આ ઘટના સમયે સ્થળ પર કોઈ આગ કે અન્ય કોઈ ઇમરજન્સી જેવી પરિસ્થિતિ ન હતી. તેમ છતાં, ફાયર વિભાગની ટીમને ધારાસભ્યના અંગત કાર્ય માટે મોકલવામાં આવી હતી. ફાયર વિભાગના એક કર્મચારીએ સંવાદદાતા હરીન ચાલિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને પાલિકા પ્રમુખના મૌખિક આદેશ પર ફાયર ટેન્ડર મોકલવાનો નિર્દેશ મળ્યો હતો. આ વાતથી ઇમરજન્સી સેવાઓના દુરુપયોગ પર વધુ ભાર મુકાયો છે.

પાણીનો જરૂર પૂરતો ઉપયોગ કરવાની અને તેનું વેડફાટ અટકાવવાની અપીલ

આ ઘટનાને લઈને અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. એક તરફ ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદને કારણે પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને પાણીનો જરૂર પૂરતો ઉપયોગ કરવાની અને તેનું વેડફાટ અટકાવવાની અપીલ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ, એક ધારાસભ્યના નિવાસસ્થાનની સફાઈ માટે પાણીનો આ પ્રકારે બેફામ વેડફાટ જોઇને પ્રજામાં ભારે રોષ અને આશ્ચર્ય વ્યાપ્યું છે. આ ઘટના માત્ર પાણીના વેડફાટ પૂરતી સીમિત નથી, પરંતુ પ્રજાના ટેક્સના પૈસે ચાલતી ઇમરજન્સી સેવાનો વ્યક્તિગત હેતુ માટે દુરુપયોગ પણ દર્શાવે છે.

ટીવી9 ગુજરાતી સાથેની વાતચીતમાં દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ રાવળે આ ઘટનાને ગંભીર ગણાવી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે ફાયર ફાઈટર પીપેરો ગામે કોના આદેશથી ગયું અને આ માટે જવાબદાર અધિકારીઓ ફોન કેમ ઉપાડતા નથી. તેમણે દેવગઢ બારિયામાં પાણીની સમસ્યાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, લોકોને બે દિવસે પાણી મળે છે ત્યારે બચુ ખાબડને આવી વીઆઈપી સેવા શા માટે આપવામાં આવે છે. તેમણે આ ઘટના દાહોદમાં પ્રથમ વખત બની હોવાનું પણ જણાવ્યું હતું અને ભવિષ્યમાં આ મામલે નગરપાલિકા અધિકારીઓનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ મામલે ફાયર અધિકારી મયુરસિંહ ચૌહાણનો પણ ટીવી9 ગુજરાતી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે સ્વીકાર્યું કે તેમને પ્રમુખનો ફોન આવ્યો હતો અને તેમણે ગાડી રવાના કરી હતી. જોકે, તેમણે દાવો કર્યો હતો કે તેમને બંગલો ધોવા માટે મોકલવામાં આવી હોવાની જાણ ન હતી. સ્થળ પર પહોંચ્યા બાદ જ્યારે તેમને સફાઈ કાર્યની જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક કામ બંધ કરાવીને ફાયર ટેન્ડરને પરત બોલાવી લીધું હતું અને આ અંગે તેમના ચીફ ઓફિસરને જાણ કરી હતી. તેમણે કહ્યું કે જો તેમને પહેલેથી જ બંગલો ધોવાનો હેતુ જણાવવામાં આવ્યો હોત તો તેઓ ગાડી મોકલત નહીં.

આ સમગ્ર પ્રકરણ ઇમરજન્સી સેવાઓના સંચાલન, સરકારી સાધનોના ઉપયોગ અને સત્તાના દુરુપયોગ અંગે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કરે છે. જો ઇમરજન્સી સેવાઓ આવા “વીઆઈપી” કાર્યોમાં વ્યસ્ત રહે તો કોઈ વાસ્તવિક દુર્ઘટનાના સમયે સામાન્ય નાગરિકોને કેવી રીતે મદદ મળી શકશે તે મોટો પ્રશ્ન છે. આ શરમજનક કૃત્ય માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ ઉઠી રહી છે.

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં સ્વિફ્ટ કારે પાર્ક કરેલા ચાર વાહનોને ટક્કર મારી, જુઓ Video

Published On - 11:35 am, Mon, 5 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.