Breaking News : દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન બબાલ, પથ્થરમારો થતાં તંગદિલી

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન મુવાલીયા ચોકડી નજીક ડીજે રેલીને લઈને હિંસા ફાટી નીકળી હતી. પોલીસ સાથે રકઝક બાદ ભારે પથ્થરમારો થયો.

| Updated on: Aug 09, 2026 | 5:35 PM

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો માહોલ તંગદિલીમાં ફેરવાઈ ગયો હતો, જ્યારે ગોધરા રોડ પર મુવાલીયા ચોકડી નજીક ડીજે રેલીને લઈને મોટી માથાકૂટ સર્જાઈ. પોલીસ સાથે રકઝક બાદ ભારે પથ્થરમારો થયો, જેના પરિણામે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનામાં અનેક વાહનોને નુકસાન થયું હતું અને મુવાલીયા ચોકડી વિસ્તાર સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

ઘટના બાદ દાહોદના DYSP જગદીશ ભંડારીએ આ મામલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક આગેવાનો ડીજે સાથે રેલીમાં આવ્યા હતા અને ડીજે તથા ખાનગી વાહનો દ્વારા રસ્તો રોકીને બબાલ કરવામાં આવી હતી. આ દરમિયાન આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનરો પણ જોવા મળ્યા હતા. પોલીસનો સ્પષ્ટ આરોપ છે કે આ આગેવાનોએ જ લોકોને ઉશ્કેર્યા બાદ પથ્થરમારાની ઘટના બની હતી.

ડીવાયએસપી ભંડારીએ વધુમાં ઉમેર્યું હતું કે, મુવાલીયા ક્રોસિંગ વિસ્તારમાં AAPના નેતાઓ અને અમુક લોકોએ પોતાની પ્રાઈવેટ ગાડીઓ અને ડીજે દ્વારા રસ્તો બ્લોક કર્યો હતો. આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનરો સાથે રસ્તો જામ કરવામાં આવ્યો હતો, જેના કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસો પણ ફસાઈ ગઈ હતી. અમારા અધિકારીઓએ તેમને શાંતિપૂર્વક રસ્તો ખુલ્લો કરવા અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા દેવા સમજાવ્યા હતા, પરંતુ લોકો સમજ્યા ન હતા. પોલીસની અન્ય ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ સાંસ્કૃતિક રેલી છે અને તેની કોઈ મંજૂરી પણ નથી. છતાં લોકોએ રસ્તો ખુલ્લો કર્યો ન હતો.

ભંડારીના જણાવ્યા મુજબ, કેટલાક આગેવાનોએ લોકોને ઉશ્કેરીને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને ધક્કામુક્કી કરી. જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલ રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે. પોલીસે સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કર્યું છે. સીસીટીવી ફૂટેજ, બોડી વોર્ન કેમેરા અને પોલીસના મોબાઈલમાં પણ ઘટના રેકોર્ડ કરવામાં આવી છે, જેના આધારે હુમલાખોરોની ઓળખ અને તપાસ ચાલુ છે.

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના અગ્રણીઓ અને રેલીની કમિટી દ્વારા ડીજે પર પ્રતિબંધ મૂકવાનો અને આદિવાસી ઢોલ-નગારા સાથે શાંતિપૂર્ણ રેલી કાઢવાનો નિર્ણય લેવાયો હતો. કારણ કે ડીજેના કારણે અનેક દૂષણો થતા હોય છે. શહેરમાં નીકળેલી રેલી શાંતિપૂર્વક રીતે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે જ નીકળી હતી. પરંતુ કેટલાક AAP નેતાઓ આઈ સપોર્ટ ચૈતર વસાવાના પોસ્ટરો સાથે ડીજે લઈને મુવાલીયા ક્રોસિંગ પર આવ્યા અને રસ્તો બ્લોક કર્યો. પોલીસે સમજાવટ કરી પણ ન માનતા કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને વિડીયો રેકોર્ડિંગના આધારે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે ‘જનઆક્રોશ’, ખુલ્લી ‘તંત્રની પોલ’

Follow Us
Loading...
Unable to load recommendations.