
ઓક્ટોબર મહિનાની શરૂઆત થઇ ગઇ છે. જો કે હજુ સુધી ચોમાસાએ વિદાય લીધી નથી અને હજુ પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની જ શકયતાઓ છે પરંતુ હવે ગુજરાતના માથે વધુ એક ઘાત તોળાઇ રહી છે. અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ હતી. તે હવે વાવાઝોડું બની ગઇ છે. એટલું જ નહીં આગામી કલાકોમાં વાવાઝોડું ગંભીર ચક્રવાત બની જાય તેવી પણ શકયતાઓ છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં ભારેથી હળવો વરસાદ પડ્યો હતો. આ સાથે રાજ્યભરમાં વરસાદી માહોલ રહ્યો હતો. ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સમાચાર બાદ ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે. એક બાજુ ખેડૂતોનો ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે અને તેને ઉતારવાની ચિંતા છે તો બીજી બાજુ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. જેના કારણે ખેડૂતોનો મહેનતથી તૈયાર કરાયેલો પાક બગડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જો આવી પરિસ્થિતિ થાય તો જગતના તાતને રોવાનો વારો આવી શકે છે.
અરબી સમુદ્રમાં ડિપ્રેશન છે તે ગુરૂવારે રાતે ડિપ ડિપ્રેશન બની ગયું છે અને આજે મોડી રાત સુધી આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આગામી થોડા કલાકોમાં આ ગંભીર વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. આ સાથે પવનની ગતિ 110થી લઈને 125 પ્રતિકલાક રહેવાની સંભાવના છે. આ પવનની ગતિ દરિયામાં રહેવાની શક્યતા છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં આ પવનની ગતિ 50 કિલોમીટરની આસપાસ રહે તેવી શક્યતા છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જોકે, આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠા સાથે ટકરાય તેવી શક્યતાઓ નથી. આ સિસ્ટમ ઓમાન તરફ ગતિ કરી શકે છે. પરંતુ દાવા સાથે કહી શકાય તેમ નથી. કારણ કે દરિયામાં વાવાઝોડાની દિશા અનેક વખત બદલાય છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર બનેલું ડીપ ડિપ્રેશન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. દ્વારકાથી લગભગ 240 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, પોરબંદરથી 270 કિમી પશ્ચિમ દૂર છે. આગામી થોડા કલાકો દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે. ત્યાર બાદ, તે શરૂઆતમાં લગભગ પશ્ચિમ તરફ અને પછી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાયેલી સિસ્ટમ પશ્ચિમ તરફ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે.
આગામી 24 કલાકમાં વાવાઝોડું ગંભીર ચક્રવાત બની જશે અને પછી જો ગુજરાત તરફ વાવાઝોડું આવશે તો પછી ગુજરાતની ચિંતા વધી શકે છે. ભારે વરસાદના કારણે પહેલે થી જ ખેડૂતો ચિંતીત બન્યા છે ત્યારે જો હજુ પણ વાવાઝોડાના કારણે વરસાદ આવશે તો પછી સ્થિતિ ખુબ જ ખતરનાક થઇ શકે છે.