ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસે (Congress) હવે ગુજરાત તરફ નજર ફેરવી છે. પાંચ રાજ્યોમાં મળેલી હારને ભૂલીને પાર્ટીએ હવે ગુજરાત પર ફોકસ કરવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે મંગળવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન ભાજપનો (BJP) મુકાબલો કરવા અને આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાતમાં આગળ વધતી રોકવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં ભાજપની સાથે-સાથે AAP વિરુદ્ધ પણ આક્રમક પ્રચાર કરવા પર સહમતિ સધાઈ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા પક્ષના નેતાની પસંદગી તાજેતરમાં કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ ટૂંક સમયમાં જ સંગઠનનું વિસ્તરણ કરશે અને લોકોને AAP કે BJPમાં જોડાતા રોકવા માટે કામ કરશે. ઘણા રાજ્યોમાં પક્ષપલટાના કારણે કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં પાર્ટીએ પણ પોતાની ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવાનું શરૂ કરી દીધું છે. રાહુલ ગાંધીને 6 એપ્રિલે સાબરમતી આશ્રમથી શરૂ થનારી યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આના દ્વારા ચૂંટણી પૂર્વે ભાજપ વિરુદ્ધ વાતાવરણ સર્જાવા અને AAPને પોતાના તરફી વાતાવરણ સર્જતા અટકાવવામાં આવશે.
બેઠકમાં એવી પણ સહમતી સધાઈ છે કે કોંગ્રેસ દિલ્હી અને પંજાબમાંથી નેતાઓ અને કાર્યકરોને ગુજરાતમાં મોકલશે. આ કાર્યકરો અને નેતાઓ AAPની ખામીઓ ગણાવશે. આ માટે વિડિયો ક્લિપ્સ, જાહેરાત વગેરેનો ઉપયોગ કરવામાં આવશે. કોંગ્રેસ પણ આ વખતે ચૂંટણીમાં AAP વિરુદ્ધ જોરશોરથી પ્રચાર કરશે. AAP ને ભાજપની B ટીમ તરીકે ગણાવવા નેતાઓ દ્વારા આક્રમક રીતે પ્રચાર કરવામાં આવશે. બેઠકમાં નેતાઓને હવેથી ભાજપ સામે જનતાના પ્રશ્નોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. તેની પાછળનો હેતુ સમયાંતરે તે મુદ્દાઓને ઉઠાવવાનો છે, જેથી કરીને ચૂંટણી દરમિયાન ભાજપને ઘેરી શકાય.
ગુજરાત કોંગ્રેસના નેતાઓની આ બેઠકમાં આ વખતે ભાજપને વધુ આક્રમકતા સાથે ઘેરવામાં આવશે તેવો સહમતિ સધાઈ છે. કોંગ્રેસના નેતાઓ પહેલા આદિવાસીઓ માટે પાણીનો મુદ્દો ઉઠાવશે. આ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ આ માટે દક્ષિણ ગુજરાતમાં બંધ બાંધવાનો વિરોધ કરી રહેલા આદિવાસીઓને મજબૂત સમર્થન આપશે. ભાજપ સામે સતત ચૂંટણીમાં મળેલી હાર અને પંજાબમાં AAPના રાજકીય ઉદય પછી કોંગ્રેસને હવે બેવડી વ્યૂહરચના પર કામ કરવાની ફરજ પડી છે. તેથી હવે આ દિશામાં પગલા ભરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ