ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) રાજ્યના ફાયર બ્રિગેડના(Fire Brigade) સુદ્રઢ કરીને સમયાનુકુલ સાધનોથી સજ્જ કરવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતા ધ્યાનમાં લેતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણની દિશા લીધી છે. આ સંદર્ભમાં, તેમણે રાજ્યની છોટાઉદેપૂર નગરપાલિકા ખાતે નવું મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે
મુખ્યમંત્રી સમક્ષ આ અંગેની દરખાસ્ત કમિશનર, મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન દ્વારા રજુ કરવામાં આવી હતી. તદઅનુસાર, મુખ્યમંત્રીએ છોટાઉદેપૂરમાં સુચિત મોડલ ફાયર સ્ટેશન માટે બિલ્ડીંગ, સ્ટાફ કવાટર્સ ટેન્કરૂમ, ઓવરહેડ ટેન્ક, કમ્પાઉન્ડ વોલ વગેરે માટે પાંચ કરોડ ૧પ લાખ રૂપિયાના કામો, સોલાર રૂફટોપ સિસ્ટમ માટે ૧પ લાખ રૂપિયા સહિત અન્ય ખર્ચ મળી સમગ્રતયા પાંચ કરોડ 48 લાખ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, શહેરી વિકાસ વિભાગે રાજ્યના ૩ર જિલ્લાઓમાં ૩ર નગરપાલિકાઓ ખાતે જિલ્લાના મુખ્ય ફાયર સ્ટેશન બનાવવા ૩ર વિભાગીય કચેરીઓ નિયત કરેલી છે. તદઅનુસાર, નાણાંકીય વર્ષ 2022-23 માં જિલ્લા કક્ષાના વડામથક ખાતેની 16 નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ રૂ. 5.14 કરોડ પ્રમાણે રૂ. 82.24 કરોડની સૈદ્ધાંતિક અનૂમતિ મળેલી છે. એટલું જ નહિ, 2022-23 ના બજેટમાં ફાયર સ્ટેશન દીઠ રૂપિયા 1 કરોડ પ્રમાણે રૂ. 16 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે જે વ્યૂહ અપનાવ્યો છે તેનાથી જિલ્લાઓમાં ફાયર-આગની આપત્તિ સમયે તાત્કાલિક બચાવ અને રાહત કાર્યો ઝડપથી થઇ શકશે.
(With Input, Darshal Raval, Ahmedabad)