ગુજરાતનાં આ ત્રણ ગામમાં વરરાજાની બહેન સાથે થાય છે કન્યાના લગ્ન, જાણો શું છે કારણ

ગ્રામજનોનું કહેવુ છે કે, સદીઓ જૂની આ પરંપરાને (Tradition) બદલવા માટે થોડા વર્ષો પહેલા ગામના ત્રણ યુવાનોએ પ્રયત્ન કર્યો. પણ, જોગાનુજોગ આ ત્રણેય યુવાનોના કોઇને કોઇ કારણોસર મૃત્યું થયા અને તે પણ લગ્ન કરવાના થોડા અંતરાલ બાદ જ.

ગુજરાતનાં આ ત્રણ ગામમાં વરરાજાની બહેન સાથે થાય છે કન્યાના લગ્ન, જાણો શું છે કારણ
The bride's marriage takes place with the bridegroom's sister
| Edited By: | Updated on: Apr 26, 2022 | 4:23 PM

છોટા ઉદેપુર (Chhota udepur)અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા ત્રણ ગામમોમાં દાયકાઓથી એક અનોખી પરંપરા (Tradition) ચાલતી આવે છે. આ ગામોમાં રહેતી આદિવાસી (Tribal) પ્રજાના કેટલાક રિતરિવાજ એવા છે કે જેને તમે જાણશો તો તમે આશ્ચર્યમાં મુકાઇ જશો. છોટા ઉદેપુરમાં ત્રણ ગામો એવા છે કે જ્યાંથી વરરાજા નહીં પરંતુ તેની બહેન જાન લઇને જાય છે. વરરાજાને જાનમાં લઇ જવામાં આવતા નથી. એટલુ જ નહીં કન્યા સાથે પણ વરરાજાના બહેનના જ લગ્ન કરવામાં આવે છે.

મધ્યપ્રદેશને અડીને આવેલા અંબાલા, સૂરખેડા અને સનાડા ગામમાં વસતા આદિવાસી સમાજના આ રિવાજ પાછળ કેટલીક રસપ્રદ માન્યતાઓ છે. અંબાલા ગામની પાસે જમણી બાજુએ આવેલા એક નાના પર્વત ઉપર ભરમાદેવ નામક દેવતા બિરાજે છે. તેની તળેટીમાં ખૂનપાવા નામના બીજા એક દેવતાનું સ્થાનક છે. આ ત્રણેય ગામના દેવ ગ્રામદેવતા છે. આ ગામના આદિવાસી સમાજના આ આરાધ્ય દેવ છે. જ્યાં વાર તહેવારે વિશેષ પ્રકારના પૂજાપાઠ થાય છે. ખાસ કરીને દિવાસા, દેવદિવાળી જેવા શુભદિવસોમાં અહીં આદિવાસી સમાજ દ્વારા ભરમાદેવનું પરંપરાગત્ત રીતે અનુષ્ઠાન કરવામાં આવે છે. તે સમયે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. ભરમાદેવ અને ખૂનપાવા દેવની ઉત્પત્તિ અંગે કોઇ કથા જાણી શકાઇ નહીં. પણ, વાત એવી છે કે ભરમા દેવ કુંવારા છે.

ભરમા દેવ પોતે કુંવારા હોવાના કારણોથી અંબાલા, સૂરખેડા અને સનાડા ગામમાં કોઇ યુવાન જાન લઇને આવે અથવા તો ગામનો કોઇ યુવાન જાન લઇ જાય તો તેના ઉપર ભરમા દેવનો પ્રકોપ ઉતરે છે. જેનાથી બચવા માટે ગામમાં આવતી જાનમાં વરરાજાની બહેન મંગલ ફેરા ફરવા માટે આવે છે અને બહેન જ જાન લઇને જાય છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે.

ગ્રામજનોનું કહેવુ છે કે, સદીઓ જૂની આ પરંપરાને બદલવા માટે થોડા વર્ષો પહેલા ગામના ત્રણ યુવાનોએ પ્રયત્ન કર્યો. પણ, જોગાનુજોગ આ ત્રણેય યુવાનોના કોઇને કોઇ કારણોસર મૃત્યું થયા અને તે પણ લગ્ન કરવાના થોડા અંતરાલ બાદ જ. જેથી ગ્રામદેવતા, ભરમા દેવમાં આદિવાસી સમાજની આસ્થા પ્રબળ બની. આ ત્રણેય ગામના લોકો દેવપ્રકોપથી બચવા પરંપરાને તોડતા નથી.

આ પરંપરાને અનુસરીને હમણા જ એક લગ્ન પ્રસંગ યોજાયો. અંબાલા ગામના હરસિંગભાઇ રાયસિંગભાઇ રાઠવાના પુત્ર નરેશના લગ્ન ફેરકૂવા ગામના તડેવલા ફળિયામાં રહેતા વજલિયાભાઇ હિંમતાભાઇ રાઠવાની પુત્રી લીલા સાથે લગ્ન થયા. અન્ય ગામના આદિવાસી સમાજ દ્વારા પણ આ પરંપરાને પૂર્ણ માનસન્માન આપવામાં આવે છે. એટલે, અંબાલાથી જાન લઇ વરરાજા નરેશને બદલે તેની બહેન અસલી તડેવલા ફળિયામાં આવી. આ પરંપરા ખાંડુ પરણવાના રિવાજ સાથે મળતી આવે છે. આદિવાસીઓની આ પરંપરા પાછળ ધાર્મિક આસ્થા જોડાયેલી છે.

બહેન પોતાના ભાઇ નરેશની જાન લઇ આવ્યા બાદ તેને વધાવવાની, કન્યાને ચુંદડી ઓઢાડવાની સહિતની વિધિ થાય છે. ગામના પટેલ કે પૂજારી આ વિધિ કરાવે છે. બાદમાં બહેન જ અગ્નિ સાક્ષીએ કન્યા સાથે ફેરા ફરે છે. તે દરમિયાન વરરાજા ઘરે જ રહે છે. સામાન્ય રીતે એક વખત લગ્ન નક્કી થયા બાદ વરરાજા ઘરની બહાર નીકળતા નથી.

મહત્વની વાત તો એ છે કે એક વખત જાન ફરી ગામમાં કન્યા સાથે પરત આવે ત્યારે ગામના સિમાડે ફરી વરરાજા કન્યા સાથે વિધિસર લગ્ન કરે છે અને વધૂને ઘરે લઇ આવે છે. તે બાદ લગ્ન પ્રસંગ પૂર્ણ થાય છે. આમ, આ ગામના આદિવાસી સમાજે ગ્રામદેવતાની આમાન્યા અને પરંપરા આધુનિક સદીમાં બરકરાર રાખી પોતાની આગવી સંસ્કૃતિને જીવંત રાખી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: આપ અને BTP ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે, બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત

આ પણ વાંચોઃRajkot: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું મોટું નિવેદન, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો