ગુજરાત વિધાનસભાનાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ(Sukhram Rathwa) તેમની ચૂંટણી ન લડવાની વહેતી થયેલી અફવાઓને રદિયો આપી દીધો છે. તેમણે ખુલાસો કરતાં કહ્યું છે કે, હું ચૂંટણી લડવાનો જ છું. રાજકારણમાં ચૂંટણી (Election) લડવા માટે કોઈને ઘડપણ નડતું નથી, અને હું ઘરડો થયો નથી. સુખરામ રાઠવા(Sukhram Rathava)એ ચૂંટણી લડવાની વાત પર જોર આપતા ફરી કહ્યું કે, પક્ષ આદેશ કરશે તે પ્રમાણે તેઓ લડશે. આ સાથે રાઠવાએ વહેતી થયેલી અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી કે, તેમણે ન કોઈને ઈન્ટરવ્યૂ આપ્યું છે કે ન કોઈને ટેલિફોનિક વાત કરી છે. જે અફવાઓ ફેલાઈ તેમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી. આપને જણાવી દઈએ કે સુખરામ રાઠવા ગત વિધાનસભામાં પાવી જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી ટિકિટને લઇને કકળાટ શરૂ થયો છે. છોટાઉદેપુર બેઠક માટે કોંગ્રેસમાં વિખવાદ ઉભો થવાના એંધાણ છે. અગાઉ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. બીજી તરફ વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. નારણ રાઠવાએ જણાવ્યું કે હવે યુવાઓને ટિકિટ આપવી જોઇએ. નારણ રાઠવાએ કહ્યું કે મારી રાજ્યસભાની ટર્મ પૂરી થયા બાદ હું નિવૃતિ લઇ લઇશ. નારણ રાઠવાએ વિપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ નિવૃતિ લઇ લેવાની સલાહ આપી હતી.
છોટાઉદેપુર બેઠક પર ઉમેદવારની પસંદગી કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન બની રહેશે. કેમકે કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. તાજેતરમાં જ મોહનસિંહ રાઠવાએ આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી જો કે તેમણે તેમના પુત્ર માટે ટિકિટ જરૂર માગી છે. ત્યારે છોટાઉદેપુર બેઠક કોંગ્રેસ માટે ગળાની ફાંસ બની રહેશે. તો પાવીજેતપુર બેઠક પરથી ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ ચૂંટણી લડવાની સ્પષ્ટતા કરી દીધી છે.
Published On - 11:15 pm, Sat, 10 September 22