Chhotaudepur : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદી (Bharaj River) પર બનેલ વર્ષો જૂના બ્રિજના પાયા બેસી જતા બ્રિજ જોખમકારક બનતા તંત્ર દ્વારા રાહદારીઓ માટે અવરજવર બંધ કરાઇ છે. નેશનલ હાઇવે નંબર 56 કે જે વડોદરા અને છોટાઉદેપુર સહિત મધ્ય પ્રદેશને જોડે છે. આ નેશનલ હાઈવે પર આવેલો ભારજ નદીનો બ્રિજ જર્જરિત બની ગયો છે. પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી પર આવેલો આ બ્રિજ ખૂબ જ જૂનો અને જર્જરિત છે. જેના પરથી અસંખ્ય ભારે વાહનો પસાર થાય છે.
આ પણ વાંચો Chhotaudepur : બોડેલીમાં મેરિયા નદી પરનો કોઝવે તૂટતાં સ્થાનિકો મુશ્કેલીમાં, જુઓ Video
આ બ્રિજ એટલો જર્જરિત બન્યો છે કે બ્રિજ ઉપરના રોડ પર તિરાડો પડી ગઈ છે તેમજ ભારજ નદીમાં ભારે વરસાદી પાણી આવતા પીલરો બેસી ગયા છે. જેને લઈ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આ વર્ષો જૂના જર્જરિત બ્રિજ પર અવર જવર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વર્ષો જૂના આ બ્રિજનું સમારકામ કરવામાં આવે છે. છતાં રોડ પર તિરાડો પડી જતાં અને બ્રિજના પીલરો બેસી ગયા છે. સાઈડ પર સિમેન્ટની રેલીંગ હતી તેની જગ્યાએ પેરાફિટ બનાવવામા આવ્યા છે તેમજ રોડ પર વારંવાર ડામર નાખવામાં આવતા બ્રિજ પર વજન પણ વધી ગયું છે. જે બ્રિજ નમવાનું એક કારણ ગણી શકાય.
નદી પરના પીલર બેસી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યાર બાદ તપાસ કરતાં સામે આવ્યું હતું કે આ બ્રિજ જોખમકારક છે. જેને લઇ છોટાઉદેપુર કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું છે અને રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ધટના ના બને તે માટે તાત્કાલિક રાત્રિના સમયે બેરિકેટ મુકી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બ્રિજ બંધ થતાં સ્થાનિકોને મોટી સમસ્યા એ છે કે બોડેલીથી જો છોટાઉદેપુર જવું હોય તો તેમને મોડાસરથી જેતપુર આવવું પડે અને જેતપુરથી રંગલી ચોકડીથી બોડેલી આવવા માટે 25 કિમીનો વધારાનો ચક્કર લાગવવો પડે તેવી સ્થિતી સર્જાઈ છે.
(With Input : Maqbool Mansuri, Chotaudepur)