છોટાઉદેપુરના બોડેલી તાલુકાના વાંટા ગામ નજીકથી પસાર થતા માર્ગ પર આવેલી એક કોતર છે. જેની પર બનેલા પૂલનું ધોવાણ થઈ ગયું છે. હવે ફિકર એ વાતની છે કે ચોમાસુ આવતા પહેલા જો પુલનું નિર્માણ નહીં થાય તો 25 થી 30 ગામના રાહદારીઓ માટે ભારે મુશ્કેલી સર્જાશે. ગત ચોમાસામાં પૂલનું ધોવાણ થઈ ગયું હતું. સરકાર દ્વારા સાવધાન રહેવાનું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે પરંતુ 5થી 6 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પૂલનું ફરી નિર્માણ કરવામાં નથી આવ્યું. જેના કારણે આસપાસના 25થી 30 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ એક માત્ર રસ્તો હોવાથી આસપાસના ગામના લોકોની ચિંતા ઓર વધી ગઈ છે. હાલ તો ગામ લોકોએ નદીના પટમાંથી ડાઈવર્ઝન આપ્યું છે અને ત્યાંથી વાહન પસાર થાય છે પરંતુ ચોમાસા પહેલા આ પૂલ નહીં બનાવામાં આવે તો આસપાસના ગામના લોકો પોતાના જ ગામમાં કેદ થઈ જાય તેવી સ્થિતિ બની જશે. એટલું જ નહીં એમ્બ્યૂલન્સ જેવા ઈમરજનસી વાહનો પણ નહીં ચાલી શકે.
એક જ છે રસ્તો .. તેમાં પણ પૂલ છે તૂટેલો..! ખતરનાક કોતરમાંથી લોકો થઇ રહ્યા છે પસાર#Bodeli #Gujarat #TV9News pic.twitter.com/GJhzoEf6kf
— Tv9 Gujarati (@tv9gujarati) February 28, 2023
એવું ય નથી કે તંત્રને આની જાણ નથી બલકે પાવીજેતપૂર, બોડેલી, નસવાડીને જોડતા આ માર્ગના પૂલના નિર્માણ માટે લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે છતાં કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી. સ્થાનિકોના મતે જો પૂલના નિર્માણની કામગીરી તાકીદે શરૂ કરવામાં નહી આવે તો લોકો માટે અવરજવર બંધ થઈ જશે. ચોમાસા સમયે ખેડૂતો પણ પોતાના ખેતરમાં નહીં જઈ શકે. સૌથી કફોડી સ્થિતિ વિદ્યાર્થીઓની થઈ છે. શાળા અને કોલેજે જવા માટે માત્ર આ એક જ રસ્તો છે અને ચોમાસા પહેલા પૂલ ન બન્યો તો વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કરવા પણ નહીં જઈ શકે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકારી તંત્રને આ મુશ્કેલી દેખાશે ?
ડાયવર્ઝન હોવાને કારણે કેટલાક લોકો જીવના જોખમે કોતરમાં ઉતરીને નદી પાર કરી રહ્યા છે. જે એક ચિંતાનો વિષય છે. ત્યારે તંત્ર અને સત્તાધારીઓને સ્થાનિક લોકોની આ મુશ્કેલીઓ દેખાશે કે, કેમ તે એક મોટો સવાલ છે.
Published On - 11:57 pm, Tue, 28 February 23