દેવળિયા સફારી પાર્ક પાસેના ગેરકાયદેસર હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર, ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પર તંત્રની મોટી કાર્યવાહી

દેવળીયા સફારી પાર્ક નજીક ઈકો સેન્સિટિવ ઝોનમાં ડિમોલિશન શરૂ કરાયું છે. રેવન્યુ-પોલીસ-વનવિભાગની સંયુક્ત કાર્યવાહીથી ગેરકાયદે બાંધી દિધેલા રિસોર્ટ અને હોટલના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

દેવળિયા સફારી પાર્ક પાસેના ગેરકાયદેસર હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર, ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પર તંત્રની મોટી કાર્યવાહી
| Updated on: Aug 31, 2026 | 1:38 PM

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ઈકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ મોટી કાર્યવાહી શરૂ કરી છે. દેવળીયા સફારી પાર્ક નજીક આવેલા ગેરકાયદેસર હોટલ-રિસોર્ટ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. મેંદરડા મામલતદાર સહિતની ટીમો સ્થળ પર પહોંચી ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે.

ગેરકાયદેસર બાંધકામો સામેની આ કાર્યવાહીમાં રેવન્યુ વિભાગ, પોલીસ અને વનવિભાગની ટીમો સંયુક્ત રીતે મેદાનમાં ઉતરી છે. ઈકો સેન્સિટિવ ઝોનમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ઉભા કરાયેલા બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા શરૂ થતાં હોટલ અને રિસોર્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

હાઈકોર્ટમાં રજૂ કરાયું હતું સોગંદનામું

ગેરકાયદેસર હોટલ-રિસોર્ટના મુદ્દે હાઈકોર્ટમાં પણ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે સંચાલકોને સમય આપવામાં આવ્યો હતો. 30 ઓગસ્ટ સુધીમાં ગેરકાયદે બાંધકામો જાતે દૂર કરવાની મુદત આપવામાં આવી હતી.

જોકે, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ હોટલ-રિસોર્ટ સંચાલકો દ્વારા પોતાના દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. એટલું જ નહીં, કોઈ એક પણ સંચાલકે સોગંદનામું રજૂ ન કરતાં આખરે તંત્રએ જાતે જ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી છે.

બોર્ડર વિસ્તારમાં મોટી સંખ્યામાં ગેરકાયદે એકમો

જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર એકમો હોવાનું સામે આવ્યું છે. રજૂ થયેલી વિગતો મુજબ જૂનાગઢ જિલ્લામાં 141, ગીર સોમનાથ જિલ્લામાં 211 અને અમરેલી જિલ્લામાં 26 ગેરકાયદેસર એકમો હોવાનું સામે આવ્યું છે.

ઈકો સેન્સિટિવ ઝોનમાં નિયમ વિરુદ્ધ ઉભા કરાયેલા આવા બાંધકામો સામે તંત્રની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે. દેવળીયા સફારી પાર્ક નજીક શરૂ થયેલી ડિમોલિશન કામગીરીને પગલે ભૂમાફિયા અને રિસોર્ટ સંચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

વરાછાને શું જોઈએ તે કતારગામના કોર્પોરેટરે નક્કી કરવાનું નથી, MLA કુમાર કાનાણીએ મેયરને લખ્યો પત્ર

Follow Us
Loading...
Unable to load recommendations.