
વેરાવળ કોર્ટ દ્વારા વર્ષ 2016માં દલિત યુવાનો પર થયેલા હુમલા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત ઠરાવાયેલા પાંચ આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે. આ સાથે 5000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ આજે કોર્ટે અંતિમ નિર્ણય આપ્યો હતો.
મળતી માહિતી મુજબ ગઈકાલે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કુલ 42 આરોપીઓમાંથી 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓમાં 4 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.
આ કેસ વર્ષ 2016માં બનેલી ઘટનાથી જોડાયેલો છે. 11 જુલાઈ 2016ના રોજ ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં દલિત પરિવારના ચાર યુવાનોને ગૌમાંસના આરોપમાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા જાહેરમાં લાકડીઓ અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
કોર્ટના આ ચુકાદા બાદ કાનૂની પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકારી વકીલના જણાવ્યા મુજબ, આ કેસમાં ન્યાય મળ્યો છે અને આવા ગુનાઓ સામે કડક સંદેશ જાય તે માટે આ સજા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સમગ્ર કેસની તપાસ CID ક્રાઇમ, અમદાવાદને સોંપવામાં આવી હતી. આ મામલો વેરાવળ કોર્ટમાં એટ્રો સેશન કેસ નંબર 818 હેઠળ ચાલી રહ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી બાદ આજે કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે, અને દોષિતોને સજા ફટકારવામાં આવી છે.
Published On - 12:23 pm, Tue, 17 March 26