
વલસાડ (Valsad) જિલ્લાના વાપી તાલુકા ભાજપના (BJP) ઉપપ્રમુખ શૈલેષ પટેલની (Shailesh Patel) હત્યાનો ભેદ ઉકેલાયો છે. વલસાડ જિલ્લા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બે પરિવાર વચ્ચે અગાઉ થયેલી બબાલના બદલામાં હત્યા થઈ હતી. શરદ પટેલ ઉર્ફે સદીયા સહિતના આરોપીઓએ શાર્પ શૂટરોને સોપારી આપી હતી.
મળતી માહિતી પ્રમાણે 3 લેયરમાં કોન્ટ્રાક્ટ કિલરોને શૈલેષ પટેલની હત્યા માટે રૂપિયા 19 લાખની સોપારી આપવામાં આવી હતી. હત્યારાઓ સુધી પહોંચવા પોલીસે 1600 કિલોમીટર સુધીના અસંખ્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તો આરોપીઓમાં શરદ ઉર્ફે સદીયો દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ,મિતેશ ઈશ્વર પટેલ,અજય સુમન ગામીત અને સત્યેન્દ્ર ઉર્ફે સોનું સિંહની ધરપકડ કરવામાં આવી છે. હવે કોન્ટ્રાક્ટ કિલિંગ ગેંગના મૂખીયા સુધી પહોંચવા પોલીસે પ્રયાસ શરુ કર્યા છે.
આ પણ વાંચો-Breaking News : વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીની ધરપકડ
8 મે 2023ના રોજ વલસાડના વાપીમાં ભાજપના નેતાની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. વાપી તાલુકા ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પોતાના પરિવાર સાથે દર્શન કરવા જઇ રહ્યા હતા. જે દરમિયાન રાતા ગામ નજીક બે બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગોળી વાગતા શૈલેષ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ કે શૈલેષ પટેલની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. જે પછી પોલીસે ઠેરઠેર નાકાબંધી કરીને હત્યારાઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ અગાઉ ભરૂચમાં ભાજપના બે નેતાની હત્યા થઈ હતી. ભરૂચમાં ભાજપના બે નેતાની હત્યામાં પણ અંડરવર્લ્ડની સંડોવળી હોવાનો એનઆઈએની તપાસમા ઘટસ્ફોટ થયો હતો. ભરૂચમાં શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ચકચારી હત્યા કેસમાં એનઆઈએએ 10 આરોપીઓ સામે 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ હત્યાકાંડના તાર દાઉદ ઈબ્રાહીમ સાથે પણ જોડાયા હતા. આ બન્ને નેતાઓની હત્યા માટે જાવેદ ચીકનાએ સાઉથ આફ્રિકાથી સોપારી આપી હોવાની હકિકત એનઆઈએની તપાસમાં સામે આવી હતી.
ગુજરાત સહિત વલસાડ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:19 pm, Tue, 30 May 23