Breaking News : વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન નીચે કચળાઇ જતા બાળકીનું મોત, ટ્રેન સંચાલક ફરાર

હાલમાં શાળાઓમાં વેકેશન ચાલી રહ્યુ છે. જેથી માતા-પિતા બાળકોને વિવિધ સ્થળોએ ફરવા લઇ જતા હોય છે. વડોદરામાં પણ એક 4 વર્ષની બાળકીના માતા-પિતા તેને કમાટીબાગમાં ફરવા માટે લઇ ગયા હતા. જો કે અહીં ખૂબ જ ગંભીર ઘટના બની છે. બાળકીનું કમાટીબાગમાં આવેલી એક ટ્રેન નીચે કચળાઇ જતા મોત થયુ છે.

Breaking News : વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન નીચે કચળાઇ જતા બાળકીનું મોત, ટ્રેન સંચાલક ફરાર
| Edited By: | Updated on: May 11, 2025 | 9:33 AM

વડોદરા : હાલમાં શાળાઓમાં વેકેશન ચાલી રહ્યુ છે. જેથી માતા-પિતા બાળકોને વિવિધ સ્થળોએ ફરવા લઇ જતા હોય છે. વડોદરામાં પણ એક 4 વર્ષની બાળકીના માતા-પિતા તેને કમાટીબાગમાં ફરવા માટે લઇ ગયા હતા. જો કે અહીં ખૂબ જ ગંભીર ઘટના બની છે. બાળકીનું કમાટીબાગમાં આવેલી એક ટ્રેન નીચે કચળાઇ જતા મોત થયુ છે.

સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી ?

પ્રાપ્ત માહિતી મુજબ, લાંબા સમય પછી ફરીથી શરૂ કરાયેલ જોય ટ્રેનના સંચાલન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે. ઘટના બાદ ટ્રેન ચલાવતા સંચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. દૂઃખદ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃત બાળકીના દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

જોય ટ્રેનની નીચે આવી બાળકી

વડોદરાના કમાટીબાગમાં વેકેશનના સમયગાળામાં દુર દુરથી લોકો આવતા હોય છે. ત્યારે પઠાણ પરિવાર પણ પોતાની બાળકીને ફરવા માટે અહીં લઇને આવ્યો હતો. સવારથી તેમણે કમાટીબાગમાં અલગ અલગ સ્થળોની મુલાકાત લઇને આનંદ માણ્યો હતો. સાંજના સમયે આ પરિવાર ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી.  કમાટીબાગના ગેટ નંબર-2 પાસે જોય ટ્રેનની અડફેટે તેમની 4 વર્ષિય દીકરી ખાતિજા પઠાણ આવી હતી અને તેનું મોત થયુ હતુ. ઘટનાને લઇને પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ

દક્ષિણ ઝોનના ડીસીપી દ્વારા અપાયેલી માહિતી મુજબ, અકસ્માતના જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે અને સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સયાજીબાગ અને કમાટીબાગ વિસ્તારના સંચાલન અંગે વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે પણ ચર્ચા યોજવામાં આવશે અને આગળની કાર્યવાહી માટે જવાબદારી નિર્ધારિત કરવામાં આવશે.

ઘટનાને લઈને શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:01 am, Sun, 11 May 25