Monsoon 2023 : ગુજરાતમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જાણે આભ ફાટ્યુ છે. અનેક વિસ્તારો જળ મગ્ન થઇ ગયા છે. નાના મોટા અનેક માર્ગો જળ મગ્ન થઇ ગયા છે. ત્યારે ભારે વરસાદના કારણે પરિવહન સેવા પ્રભાવિત થઇ છે. ભારે વરસાદના (Rain) પગલે મુસાફરો મુશ્કેલીમાં ન મુકાય તે માટે એસટી બસની અંદાજે 264 ટ્રીપ રદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોને જોડતી બસોની ટ્રીપ રદ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લામાં પડી રહ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં જાણે આભ ફાટ્યુ છે. માંગરોળ, માળિયા હાટિના સહિતના વિસ્તારોમાં 22 ઇંચ જેટલો વરસાદ પડતા જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. કેટલાક વિસ્તારો તો જાણે બેટમાં ફેરવાઇ ગયા છે. વેરાવળ-કોડીનાર હાઈવે વરસાદી પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી છે. અન્ય કેટલાક માર્ગો પર પણ પાણી ભરાયા છે. જેના પગલે ગુજરાત ST વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. એસટી બસની સૌરાષ્ટ્ર તરફની કેટલીક ટ્રીપ રદ કરવાનો નિર્ણય લીધો છે.
ભારે વરસાદના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ રુટની પરિવહન સેવા પ્રભાવિત થઇ છે. સુત્રાપાડા , તાલાળા , માળિયા હાટીના , માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી એસટી બસ સેવા પ્રભાવિત થઇ છે. એસટી વિભાગે બસની અંદાજે 264 ટ્રીપ રદ કરી છે. સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદના કારણે હાલ બેહાલ છે.
અમરેલીની 10 અને જામનગર, દ્વારકા અને સોમનાથની 2 ટ્રીપ રદ કરવામાં આવી છે. જો કે જરૂર જણાય ત્યાં વધુ બસ સેવા બંધ અને શરૂ કરવામાં આવી શકે છે. વરસાદી વાતાવરણ છે તેવા વિસ્તારોમાં બસ ચલાવતા ડ્રાયવર-કંડક્ટર અને ડેપો મેનેજરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. કોઝ વે કે પાણી ભરાયા હોય તેવા જોખમી સ્થળ પર બસ નહીં લઈ જવા સૂચના આપવામાં આવી છે. તેમજ અમદાવાદના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પરથી GPS અને જીઓ ફેન્સથી બસ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
જો કે માંગરોળ અને વેરાવળમાં વરસાદના પગલે ST ડેપો પર વીજળી ડુલ થઇ ગઇ છે. વીજળી ન હોવાથી કંટ્રોલ રૂમ સાથેનું CCTV કનેક્શન ખોરવાઇ ગયા છે. જોકે મોબાઈલ મારફતે કર્મચારી સતત સંપર્કમાં છે.
Published On - 12:13 pm, Wed, 19 July 23