દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે હરવા-ફરવા જવાનું આયોજન કરતા લોકો સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં હરિદ્વાર યાત્રાના નામે 450થી વધુ લોકો પાસેથી નાણાં ઉઘરાવી ત્રણ ભેજાબાજો ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ થયો છે.
ટ્રાવેલ્સ સંચાલકોએ વ્યક્તિદીઠ રૂ.4,200 ઉઘરાવ્યા હતા અને આ રીતે રૂ.16.80 લાખથી વધુની ઠગાઈને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભાઈબીજના દિવસે હરિદ્વાર જવા માટે બસ રવાના થવાની હતી, પરંતુ લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ બસ ન આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આરોપીઓએ લોકોને વિવિધ પ્રકારની લાલચ આપીને યાત્રા માટે આકર્ષ્યા હતા. શ્રીમદ્ ભાગવત કથામાં ભાગ લેનાર વ્યક્તિને દિવસના રૂ.700 લેખે છ દિવસના કુલ રૂ.4,200 પરત આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત 11 નવેમ્બરથી શરૂ થઈ 19 નવેમ્બર સુધી ચાલનારી હરિદ્વાર યાત્રામાં ચા-નાસ્તો, ભોજન, AC બસ, AC રૂમ અને ભાગવત કથા માટે હોલ સહિતની સુવિધાઓ આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. આવી આકર્ષક ઓફરોને કારણે મોટી સંખ્યામાં લોકોએ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી નાણાં પણ જમા કરાવ્યાં હતાં.
યાત્રા માટે પૈસા ભર્યા બાદ લોકોમાં હરિદ્વાર જવાનો ઉત્સાહ હતો. જોકે, નક્કી કરેલા દિવસે બસ ન આવતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. લોકોએ ટ્રાવેલ્સ સંચાલકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના મોબાઈલ ફોન બંધ આવતા શંકા વધુ ઘેરી બની હતી. મુસાફરોના આક્ષેપ મુજબ, અનેક લોકોએ દિવાળીના તહેવારમાં યાત્રા પર જવા માટે ઉધાર નાણાં લઈને પણ પૈસા ભર્યા હતા. હવે યાત્રા રદ થતાં અને નાણાં પરત ન મળતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આ મામલે પોલીસ તપાસમાં અંદાજે 450થી વધુ લોકો પાસેથી વ્યક્તિદીઠ રૂ.4,200 ઉઘરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલે કે, ઠગાઈનો આંકડો અંદાજે રૂ.18.90 લાખ સુધી પહોંચતો હોવાની શક્યતા છે, જ્યારે મુસાફરો દ્વારા રૂ.16.80 લાખથી વધુની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મુસાફરોએ સુરેન્દ્રનગરના A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, ભોગ બનેલા મુસાફરોએ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરી પોતાના નાણાં પરત અપાવવાની માગ કરી છે.
આ પણ વાંચો- Breaking News : હવે બેંક ખાતું નહીં હોય તો પણ મોકલી શકશો પૈસા! RBIએ મની ટ્રાન્સફરના નિયમો બદલ્યા