Rajkot : રાજકોટમાં 33 કરોડના ઉચાપત કેસમાં સેશન્સ કોર્ટે ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના આગોતરા જામીન ફગાવ્યા છે. સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આત્મીય સંકુલમાં 33 કરોડની છેતરપિંડી કેસમાં પોલીસે સાધુ ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્યને પોલીસે નોટિસ આપતા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
જે આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી હતી.ગઇકાલે રાજકોટની સેશન્સ કોર્ટમાં બંન્ને પક્ષોએ દલીલ કરી હતી. જો કે કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળીને જામીન અરજી રદ્દ કરી હતી.
આ કેસમાં 20 પાનાનો ચુકાદો આપતા કોર્ટે ટાંક્યું હતું કે આ કેસમાં બચાવ પક્ષના વકીલ દ્રારા જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે અપુરતા છે પ્રથમ દ્રષ્ટિએ આ કેસમાં ઉચાપાત મામલે તપાસ થવી ખૂબ જ જરૂરી છે ત્યારે હાલના તબક્કે આગોતરા જામીન આપી શકાશે નહિ.તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ કેસમાં સરકારી વકીલ તરીકે એસ.કે,વોરાએ દલીલ કરી હતી કે પોલીસ દ્રારા આ કેસમાં તપાસ ચાલી રહી છે.
આ કેસના આરોપીઓ હજુ ફરાર છે અને પોલીસ પાસે માત્ર ફરિયાદીએ આપેલા પુરાવાઓ જ છે.આ કેસમાં વધુ તપાસ માટે આરોપીઓની કસ્ટડીની જરૂરિયાત છે.જો કસ્ટડી દરમિયાન પોલીસ આરોપો સાબિત ન કરી શકે તો કોર્ટ આરોપીઓને જામીન આપી શકે છે.આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન અનેક તથ્યો સામે આવી શકે છે.વધુમાં દલીલ કરી હતી કે જેમના પર આરોપ છે તે સાધુ ત્યાગવલ્લભ છે સાધુઓનું જીવન વૈરાગ્ય છે.જેથી તેના માટે જેલ અને મહેલ-તાજમહેલ બધુ સરખું હોય જેથી ૨૪ કલાક પોલીસને સહયોગ આપવો જોઇએ.
આ કેસમાં ફરિયાદી પક્ષના વકીલ તુષાર ગોકાણીએ કહ્યું હતું કે ફરિયાદી પવિત્ર જાની વર્ષો સુધી હરિપ્રસાદ સ્વામીના પર્સનલ સેક્રેટરી રહ્યા છે.કોર્ટમાં અમારા દ્રારા દલીલ કરાઇ હતી કે આ કેસમાં પવિત્ર જાની તમામ દસ્તાવેજી પુરાવા એકત્ર કરી રહ્યા હતા જેથી ફરિયાદ કરવામાં વિલંબ થયો છે તે વાત અસ્થાને રહેલી છે.કોર્ટે આ કેસમાં વધુ તપાસની માંગને ગ્રાહ્ય રાખી છે અને આગોતરા જામીન નામંજૂર કર્યા છે
આ અંગે બચાવ પક્ષના વકીલ સુઘીર નાણાવટીએ દલીલ કરતા કહ્યું હતું કે ત્યાગવલ્લભ સ્વામી સામે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા છે.સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે જુથ વચ્ચેની લડાઇના કારણે આ આક્ષેપો કરવામાં આવ્યા છે.આ આક્ષેપોને લઇને ઇન્કમટેક્સ વિભાગ અને ચેરિટી કમિશનર સમક્ષ દસ્તાવેજો રજૂ કરાયા છે.આ અંગે સ્વામી ત્યાગવલ્લભ સીધી રીતે કોઇ સંડોવણી નથી.જે નાણાંકીય વ્યવહાર કરવામાં આવ્યા છે તે અંગે તમામ ટ્રસ્ટીઓની સહમતી હોવાનો દાવો કર્યો હતો જેથી આ કિસ્સામાં ત્યાગવલ્લભસ્વામી અને ડો.સમીર વૈદ્યને આગોતરા જામીન આપવાની માંગ કરી હતી.
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્ય સહિત પાંચ શખ્સોની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.પોલીસ દ્રારા અત્યાર સુધી આગોતરા જામીન અરજીની સૂનવણીની રાહ હતી પરંતુ હવે જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે ત્યાગવલ્લભની મુશ્કેલી વધી શકે છે.
Published On - 4:42 pm, Tue, 27 June 23