અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઈન્દિરા નગર વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ ગંભીર બનતાં તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અસરગ્રસ્ત પરિવારો માટે મકરબા પ્રાથમિક શાળા ખાતે આશ્રય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં અંદાજે 200 જેટલા લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા રહેવા તેમજ જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ દરમિયાન વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર આશ્રય કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્થળાંતરિત લોકો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી તેમજ તંત્રને જરૂરી સહાય અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી.
અસરગ્રસ્ત લોકો માટે રાહત કામગીરી અંતર્ગત ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ગઈકાલે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો. વરસાદે લગભગ 100 વર્ષ જૂનો વરસાદનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 1927 બાદ પ્રથમ વખત અમદાવાદમાં આટલો ભારે વરસાદ નોંધાયો છે. જે બાદ ગઈકાલે પડેલા વરસાદમાં મોટાભાગના વિસ્તારો જળમગ્ન બની ગયા છે અને તેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Published On - 2:43 pm, Fri, 24 July 26