
વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. વર્ષ 2024માં નવરાત્રિ દરમિયાન 16 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે.
20 ઓગસ્ટે વડોદરા પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આરોપીઓ મુમતાજ બનજારા, શાહરૂખ બનજારા, મુન્ના બનજારા, અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદી હસન સામે સરકાર પક્ષે કડકમાં કડક સજાની માંગ કરી હતી.
સરકાર પક્ષે ફાંસીની સજા અને જો ફાંસી ન આપવામાં આવે તો જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજાની રજૂઆત કરી હતી. ત્યારે કોર્ટે આજે વર્ડિંક્ટ આપતા પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે.
સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો 4 ઓક્ટોબર, 2024ના બીજા નોરતાની રાત્રે વડોદરામાં રહેતી 16 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી. ત્યારબાદ સગીરા પોતાના મિત્ર સાથે ભાયલીના નિર્જન વિસ્તારમાં બેઠી હતી. તે સમયે બે બાઇક પર પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને બંનેને ધાકધમકી આપ્યા બાદ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
ઘટનાના માત્ર 17 દિવસમાં પોલીસે પોક્સો કોર્ટમાં આશરે 6 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં આશરે 100 સાક્ષીઓના નિવેદનો, FSL અને મેડિકલ રિપોર્ટ, DNA સેમ્પલ તેમજ CCTV સહિતના પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા હતા.
ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા 45 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને વિવિધ દસ્તાવેજી તથા વૈજ્ઞાનિક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. સગીરાના કપડાંમાંથી મળેલા આરોપીઓના શરીર પ્રવાહીના વૈજ્ઞાનિક પુરાવા પણ કેસમાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 1:56 pm, Mon, 31 August 26