ભાવનગર ભરતી પરીક્ષા ડમીકાંડને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગૃહવિભાગમાંમાં બેઠકોનો દૌર શરૂ થયો છે. ડમીકાંડને લઈને ગૃહવિભાગે હાઈલેવલ મીટિંગ બોલાવી છે. જેમા ATSના DIG દીપેન ભદ્રન પણ બેઠકમાં હાજર છે. જ્યારે ભાવનગર રેન્જના IG ગૌતમ પરમાર પણ હાજર છે. છેલ્લા એક સપ્તાહથી ડમીકાંડને લઈને રોજ નીતનવા ખૂલાસા થઈ રહ્યા છે.
ડમીકાંડમાં વધુ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. ડમી તરીકે પરીક્ષામાં બેસેલા અક્ષર બારૈયાની અટકાયત કરવામાં આવી છે. સંજય પંડ્યાએ અક્ષર વતી પરીક્ષા આપી હતી. સંજય પંડ્યા ત્રણ ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવાર બન્યો હતો. સંજય પંડ્યાની પૂછપરછમાં આ અંગે હજુ વધુ ચોંકાવનારા ખૂલાસા થઈ શકે છે. સંજય પંડ્યા કરાઈ એકેડમીમાં PSIની ટ્રેનિંગ લઈ રહ્યો હતો તેની પણ અટકાયત રવિવારે જ કરી લેવામાં આવી છે.
ભાવનગર ભરતી પરીક્ષા ડમીકાંડમાં અત્યાર સુધીમાં કુલ 36 આરોપીઓ સામે સકંજો કસવામાં આવ્યો છે. જેમા 4 લોકોની ધરપકડ કરી તેમને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જેમા શરદકુમાર પનોત, પ્રકાશ દવે, બશદેવ રાઠોડ અને પ્રદિપ બારૈયાનો સમાવેશ થાય છે. શરદકુમાર પનોત સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તે ડમી ઉમેદવારને બેસાડી પરીક્ષા પાસ કરાવતો હતો. જ્યારે પ્રદિપ બારૈયા જેસરની કોર્ટમાં ક્લાર્કની નોકરી કરે છે તે અગાઉ પણ પોલીસ સકંજામાં આવી ચુક્યો છે. ત્રીજો આરોપી પ્રકાશ દવે તળાજાના પીપરલાનો વતની છે અને તે ડમી ઉમેદવારને બેસાડીને પરીક્ષા પાસ કરાવતો હતો. ચોથો આરોપી બળદેવ રાઠોડ પણ તળાજાના દિહોર ગામનો છે અને રૂપિયા 10 હજારમાં નકલી દસ્તાવેજ બનાવતો હતો. ધરપકડ કરાયેલા 4 આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ સરકારી નોકરિયાત છે.
તો આ તરફ ડમીકાંડના 36માં આરોપી અને યુવરાજસિંહ પર આરોપ લગાવનાર મિત્ર બિપિન ત્રિવેદીની ભાવનગર પોલીસે પૂછપરછ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે બિપિન ત્રિવેદીની પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા અને ડમીકાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે બિપિન ત્રિવેદીએ પોતાના જ મિત્ર યુવરાજસિંહ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. ડમીકાંડમાં પ્રકાશ દવેનું નામ ન લેવા રૂપિયા 55 લાખનો સોદો કર્યાનો ખુલાસો કર્યો હતો. ત્યારે ડમીકાંડ મામલે બિપિન ત્રિવેદી યુવરાજસિંહ વિરૂદ્ધ મોટો ખુલાસો કરે તેવી શક્યતા છે.
ભાવનગર ડમીકાંડ કેસમાં પોલીસ વિભાગ તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડમીકાંડની તટસ્થ તપાસ માટે SITની રચના કરાઇ છે. નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલની અધ્યક્ષતામાં SITની રચના થઇ છે. જેમાં 2 PI, 8 PSI સહિત પોલીસ સ્ટાફનો સમાવેશ કરાયો છે. તો LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોર્ડનો સ્ટાફ પણ SITની મદદમાં રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:24 pm, Mon, 17 April 23