
અમદાવાદ ઝાયડસ સ્કૂલને બોમ્બની ધમકી મળ્યા બાદ ICSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા અટવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ICSE બોર્ડની ધોરણ 10 બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી હતી તે વચ્ચે અમદાવાદની આ શાળાને ધમકીભર્યો મેઈલ મળતા શાળા સંચાલકો દ્વારા શાળા આજે શરુ કરવામાં આવી ન હતી. તેમજ આજે ICSE બોર્ડનું ધોરણ 10નું અંતિમ પેપર હતુ.
આજ રોજ સવારે 11 વાગે ICSE બોર્ડનું ધોરણ 10 માટે ભૂગોળનું પેપર હતુ પણ ધમકી મળ્યા બાદ શાળા ઝાયડસ સ્કૂલમાં પરીક્ષા શરુ થઈ જ ન હતી. મળતી માહિતી મુજબ ઝાયડ્સ સ્કૂલ સહિત કેલોરેક્સ, ઝેબર, આનંદ નિકેતન, ઝાયડસ વેજલપુર સહિતની શાળાઓને ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. પોલીસ તમામ સ્થળો પર હાલ પેટ્રોલિંગ કરી રહી છે પણ આ વચ્ચે ICSE બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા અટવાઈ છે.
ICSE બોર્ડ દ્વારા લેવાતી બોર્ડની પરિક્ષા સામાન્ય બોર્ડ કરતા વહેલી ચાલુ થઈ છે ત્યારે આજે ધોરણ 10 વિદ્યાર્થીઓનું પેપર હતુ, પણ અમદાવાદની અનેક શાળા સેન્ટરને ધમકી ભર્યા મેઈલ મળતા શાળાઓમાં પેપર જ શરુ થયું ન હતુ. શાળા સંચાલકો પણ આ ઘટના બાદ મુંજવણમાં મુકાયા છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા કેવી રીતે લેવી. તેમજ બરોબર તૈયારી કરીને આવેલા વિદ્યાર્થી પણ નિરાશ થઈ ગયા છે કે તેઓ પેપર આપી નહીં શકે તેમજ તે તમામમાં ડરનો માહોલ છે.
ICSE બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાના સેન્ટર વાળી શાળાને ધમકી મળ્યા બાદ આજે પેપર જ લેવામાં આવ્યું નથી. બાળકો વાલીઓ સહિત શાળા સંચાલકો પણ ઘટનાથી ભયભીત થઈ ગયા છે. જોકે શાળાઓને ધમકી મળ્યા બાદ શાળાઓએ પોલીસ કંટ્રોલ રુમને ધમકીની જાણ કરી હતી જે બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
Published On - 1:24 pm, Wed, 18 March 26