રાજકોટના જેતલસરના ચકચારી સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં જેતપૂર સેશન્સ કોર્ટે ફાંસીના સજા સંભળાવી છે.આજે સેશન્સ કોર્ટ દ્રારા હત્યા,પોક્સો અને હત્યાની કોશિશ ત્રણ ગુનામાં જયેશ સરવૈયાને કસૂરવાર ઠેરવ્યા હતા જે અંગે સેશન્સ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક જજ આર.આર.ચૌધરીએ સજા સંભળાવી હતી.કોર્ટે પોક્સોમાં 3 વર્ષની કેદ અને અઢી હજાર રૂપિયાનો દંડ,આઇપીસી કલમ 307 માં 5 હજાર રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજા,જીપીએક્ટ 135 અંતર્ગત એક માસની સજા અને 500 રૂપિયાનો દંડ અને હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા ફટકારતા ફાંસીની સજા ફટકારી હતી.કોર્ટ પરિસરમાં જ્યારે આ સજા ફટકારવામાં આવી ત્યારે આરોપી જયેશના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
સૃષ્ટિના પિતાએ ટીવીનાઇન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમને 700 દિવસ પછી ન્યાય મળ્યો છે.આજે અમે ન્યાય તંત્રનો આભાર માનીએ છીએ.જો કે આ ન્યાય એક વર્ષ પહેલા આવ્યો હોત તો સુરતની ગ્રિષ્મા જેવી દિકરીનો જીવ બચી ગયો હોત.આવા નરાધમો સમાજના દુશ્મન છે.તેની સામે આવી જ કાર્યવાહી થવી જોઇએ.
આ અંગે સ્પશિયલ પીપી જનક પટેલે કહ્યું હતું કે આ કેસ નિર્ભયા કેસ જેટલો જ ગંભીર છે.આરોપીના વકીલે જે દલીલો કરી હતી તેને કોર્ટે ફગાવી દીધી છે.તે પરિવારનો આધારસ્તંભ હોવાની જે વાત કરી હતી તે આ વ્યક્તિએ ગુનો આચરતા પહેલા આ વાત ધ્યાને લેવી જોઇએ.ગરીબ હોય તેને ગુનો કરવાની છૂટ હોય તેવું ન હોય.આ ઘટનાએ એક પરિવારને નહિ આખા સમાજને રોવડાવ્યો હતો જ્યારે સમાજના દુશ્મન હોય ત્યારે કોર્ટ ફાંસીની સજા આપી શકે છે જે જેતપૂર સેશન્સ કોર્ટે આપી છે જેનો અમે આભાર માનીએ છીએ.
કોર્ટ કાર્યવાહી ચાવતી હતી ત્યારે જયેશની આંખમાં કોઇ જ પ્રકારનો પસ્તાવો ન હતો.તે આ ઘટનાની ગંભીરતા કદાચ સમજતો નહિ હોય કે શું તે એક સવાલ હતો પરંતુ આજે જ્યારે કોર્ટે સજા સંભળાવી ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.કોર્ટે આરોપી જયેશ સરવૈયાને એક મહિનાનો સમય આપ્યો છે.એક મહિના દરમિયાન તે ઉપલી કોર્ટમાં સજાને પડકારી શકે છે.
Published On - 5:52 pm, Mon, 13 March 23