ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર! અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ, આરોગ્ય તંત્ર એક્શનમાં

સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, ખેડા, મહેસાણા અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં શંકાસ્પદ અને પોઝિટિવ કેસો સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠામાં 6 અને પંચમહાલમાં 2 બાળકોના મોત નોંધાયા છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર! અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ, આરોગ્ય તંત્ર એક્શનમાં
chandipura
| Updated on: Jul 13, 2026 | 4:11 PM

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 27 ચાંદીપુરા ના શંકાસ્પદ કેસ નોંધાયા છે. સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, ખેડા, મહેસાણા અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં શંકાસ્પદ અને પોઝિટિવ કેસો સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠામાં 6 અને પંચમહાલમાં 2 બાળકોના મોત નોંધાયા છે, જ્યારે વડોદરાની SSG હોસ્પિટલમાં પણ એક 9 વર્ષીય બાળકનું મોત થયું છે. બીજી તરફ, અનેક બાળકો સારવાર હેઠળ છે અને કેટલાકના સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રાજ્યભરમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ, દવા છંટકાવ અને વિશેષ સારવારની વ્યવસ્થા શરૂ કરી છે.

સાબરકાંઠા- હિંમતનગર સિવિલમાં સૌથી વધુ મોત

સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મૃત્યુઆંક 6 પર પહોંચી ગયો છે. જોકે, હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 6 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં ત્રણ વર્ષની એક બાળકી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે, જ્યારે તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સ્થાનિક આરોગ્ય તંત્રને પણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. અરવલ્લી જીલ્લામાં પણ આ વાયરસથી એક બાળકીનું મૃત્યુ થયું છે.

પંચમહાલમાં 13 શંકાસ્પદ કેસ

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ 13 બાળ દર્દીઓ નોંધાયા છે. જેમાં પંચમહાલના 11 અને મહીસાગરના 2 બાળકોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે પોઝિટિવ બાળકોના મોત થયા છે, જ્યારે એક અન્ય બાળકનું શંકાસ્પદ લક્ષણો સાથે મૃત્યુ થયું છે. બે બાળકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે 6 બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.

વડોદરામાં ખાસ વ્યવસ્થા શરુ કરાઈ

મધ્ય ગુજરાતમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને વડોદરાની SSG હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ કરવામાં આવી છે. પીડિયાટ્રિક વિભાગમાં 70 વેન્ટિલેટર બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પાંચ બાળ દર્દીઓને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ બાળકોના મોત થયા છે અને બે બાળકો હાલ સારવાર હેઠળ છે. ગોધરાથી લાવવામાં આવેલા 9 વર્ષીય બાળકનું હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મોત થયું હતું. ખેડા જીલ્લામાં પણ 2 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.

ગાંધીનગર- મહેસાણામાં પણ નોંધાયા કેસ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં એક બાળક ચાંદીપુરા પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે અને તેની સારવાર ચાલી રહી છે. વડનગરમાં પણ એક પોઝિટિવ બાળક સારવાર હેઠળ છે. ઉપરાંત, સાબરકાંઠાના બે બાળકોને પણ ચાંદીપુરાની શંકા હતી, જેમાં 9 વર્ષીય ગોપાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે ત્રણ વર્ષની બાળકી શિવાનીનો રિપોર્ટ હજુ બાકી છે. ગાંધીનગર જિલ્લામાં પણ 4 બાળકોના મોત બાદ આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ, માથાનો દુખાવો, આંખો લાલ થવી, નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ, ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો અન્ય વાયરસ જેવા હોવાથી શરૂઆતમાં તેની ઓળખ મુશ્કેલ બને છે. આ વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે અને સમયસર સારવાર ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે.

સરકાર વાયરસને લઈને એક્શનમાં

આ વાયરસ સેન્ડ ફ્લાઈથી ફેલાતો રોગ છે, સર્વેલન્સ દરમિયાન 450 થી વધુ સેન્ડફ્લાય માખીઓ પકડવામાં આવી છે.  જેને લઈને તકેદારીના ભાગ રૂપે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. શંકાસ્પદ કેસોના સેમ્પલની તપાસ, સારવારની સુવિધા અને નિવારક પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે જેથી વાયરસનો ફેલાવો અટકાવી શકાય. વાયરસ ની ચિંતા વચ્ચે ગાંધીનગરના 9 જેટલા ગામો માં દવાઓ નો છટકાવ કરવામાં આવ્યો છે. જ્યારે સાબરકાંઠામાં આરોગ્ય ટીમની અસરગ્રસ્ત વિસ્તારના 46 ઘરોમાં ડસ્ટિંગ કામગીરી હાથ ધરી છે.

Mehsana Breaking News : ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા, રૂ. 6.76 લાખનો મુદ્દામાલ જપ્ત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 4:10 pm, Mon, 13 July 26

Follow Us