Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) વરસાદને પગલે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે. મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે કોર્પોરેશનના કંટ્રોલરૂમમાં વાડજ વિસ્તારમાં પણ પાણી ભરવાની ફરિયાદો મળી છે. જેને લઈને વાડજ અંડર પાસ પણ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. વરસાદને લઈને કોર્પોરેશન દ્વારા શહેરમાં વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાસણા બેરેજના બે દરવાજા બે ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Photos : ફાઈનલના દિવસે નમો સ્ટેડિયમમાં વરસાદની ધોધમાર બેટિંગ, જાણો IPL Final અંગેની મોટી અપડેટ
શહેરમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને વરસાદ પડતા વિવિધ સ્થળે ઝાડ પડવાના કોલ નોંધાયા છે. ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમમાં આ કોલ નોંધાયા છે. રાયખડ સહિત 5 સ્થળો પર ઝાડ પડવાના કોલ નોંધાયા છે. જ્યારે આશ્રમ રોડ પર બાટા શોરૂમ પાસે એક બિલ્ડિંગમાં લિફ્ટ બંધ થતા કેટલાક લોકો ફસાયા હતા, જેને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું છે.
ત્યારે ચાંદખેડા વિસ્તારમાં ગરનાળામાં કેટલાક લોકો ફસાયા હોવાના મેસેજ પણ પોલીસ દ્વારા ફાયર કંટ્રોલરૂમમાં નોંધાયા છે. આ તમામ સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અચાનક વરસાદ વરસતા વાહનચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોના વાહનો પણ વરસાદી પાણી ભરાતા બંધ પડી ગયા હતા.
શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા. અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે કેટલાક વાહનચાલકોના વાહનો પણ બંધ થઈ જતા ભારે હાલાકી પડી હતી. પ્રિમોન્સુન કામગીરીના દાવા વચ્ચે કમોસમી વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે ચોમાસા દરમિયાન પણ શહેરીજનોને આ જ પ્રકારની હાલાકી સહન કરવાનો વારો આવી શકે છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:06 pm, Sun, 28 May 23