
બોટાદના પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં પ્રભુના સ્વરૂપો તેમજ “કિંગ ઑફ સાળંગપુર”ના કોપીરાઈટ કરાવવામાં આવ્યા. જે બાદ સનાતન સંતોથી લઈ વિવિધ સંગઠનો અને બ્રહ્મ સમાજ દ્વારા પણ આ મુદ્દે આકરો વિરોધ નોંધાવાયો. ખુદ શ્રીસ્વામિનારાયણ હિત રક્ષણ સમિતિ તેમજ કેટલાંક હરિભક્તો દ્વારા પણ મંદિરના આ નિર્ણય સામે શાબ્દિક પ્રહારો કરાયા અને રૂપિયા કમાવવા મંદિર તંત્ર દ્વારા આ પ્રકારે કોપીરાઈટ કરાયાના આક્ષેપો ઊઠ્યા.
તો સમગ્ર મામલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આકરાપાણીએ છે અને નમતુ જોખવાના મૂડમાં નથી. બનાસકાંઠાના પાલનપુરમાં બ્રહ્મ સમાજે આ મુદ્દે બેઠક યોજી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ચીમકી આપતા કહ્યું હતું કે જો ધર્મ વિરોધી પ્રવૃત્તિ બંધ નહીં કરે તો કાયદાકીય લડત કરાશે. એટલું જ નહીં આ લડાઈને.. જિલ્લા, તાલુકા અને ગામડાઓ સુધી પહોંચાડવાની ચીમકી અપાઈ છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ કહ્યું હતું કે આ ટ્રેડમાર્ક અને કોપીરાઈટને પગલે સૌથી પહેલો હુમલો કથાકારો પર થશે. તો ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ આ અંગે સવાલો ઊઠાવ્યા છે.
અનેક ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટ તેમજ જ્ઞાતિઓ દ્વારા આ નિર્ણયને વખોડવામાં આવ્યો છે. ત્યારે બ્રહ્મ સમાજે ઠરાવ પસાર કરીને આ અંગે કાયદાકીય લડત આપવા માટેની ચીમકી ઉચ્ચારી છે.
તો સમગ્ર મામલે રાજ્યભરમાં વિવાદ વકર્યા બાદ હવે મંદિર તંત્રની સ્પષ્ટતા સામે આવી છે. મંદિર તંત્રનો દાવો છે કે કોપીરાઈટનો હેતુ માત્ર ભક્તોની સુરક્ષાનો છે અને તેમને “ડિજિટલ છેતરપિંડી” સામે રક્ષણ આપવાનો છે. જે અંતર્ગત “કિંગ ઑફ સાળંગપુર” પ્રતિમા, કષ્ટભંજન દેવના વિવિધ વાઘા-શણગાર તથા અન્ય સર્જનાત્મક કૃતિઓને કોપીરાઈટ કરાઈ છે. મંદિર વહીવટી તંત્રે સ્પષ્ટતા કરી છે કે નોંધણીનો હેતુ ભગવાન પર માલિકી હક સ્થાપિત કરવાનો બિલકુલ પણ નથી. આ પગલું માત્ર મંદિરની આગવી ઓળખ, તેની સર્જનાત્મક કૃતિઓ અને સત્તાવાર પ્રતીકોને કાયદાકીય સંરક્ષણ આપવાનો છે. મંદિરના દાવા મુજબ છેલ્લા ઘણાં સમયથી નકલી વેબસાઈટ્સ અને સો. મીડિયા પેજો દ્વારા ભક્તો સાથે છેતરપિંડી કરાતી હતી. સાળંગપુર મંદિરના નામે ખોટા રૂમ બુકિંગ, ઓનલાઈન પ્રસાદ તથા દાન-ફાળાના નામે રકમ વસૂલાતી હતી. અનેક શ્રદ્ધાળુઓ આર્થિક નુકસાનનો ભોગ બન્યા.
Published On - 9:37 pm, Sun, 14 June 26