
અમદાવાદના સેટેલાઈટ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેઈલ મળતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાભારતી, સીએન વિદ્યાલય અને નારાયણ ગુરુ સ્કૂલને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને પગલે સ્કૂલ સંચાલકો અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
ધમકીભર્યા ઈમેઈલ મળતાં જ સાવચેતીના ભાગરૂપે સ્કૂલોની ઇમારતો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ વાલીઓને જાણ કરીને બાળકોને સ્કૂલમાંથી લઈ જવા માટે બોલાવવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સ્કૂલ પરિસર અને ઇમારતોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
હાલમાં ધમકીભર્યા ઈમેઈલને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પંજાબી ભાષામાં લખાયેલા ધમકીભર્યા સંદેશમાં અમિતાભ બચ્ચન અને દલજીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈ-મેઇલમાં બચ્ચનને બોમ્બથી ઉડાવી દેવાની તેમજ દલજીત દ્વારા અમદાવાદમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. ખાલિસ્તાનના નામે મોકલવામાં આવેલા આ ઈ-મેઇલમાં ‘ખૂનનો બદલો ખૂન’ એવો સંદેશ પણ લખવામાં આવ્યો છે.
આ ધમકીભર્યા ઈ-મેઇલમાં માત્ર શાળાઓ જ નહીં, પરંતુ કોર્ટ, સરકારી કચેરીઓ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આઈફોનમાં બ્લાસ્ટ કરવાની ધમકી પણ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ સંદેશને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક રહે તેવી શક્યતા છે. જોકે, ધમકીની સત્યતા અને તેની પાછળ કોણ છે તે અંગે સત્તાવાર પુષ્ટિ થવી જરૂરી છે.
વિકાસના મોડેલ પર પાણી ફરી વળ્યું! રાજકોટના આધુનિક એરપોર્ટના કાર્ગો સેન્ટરમાં પાણીનું લીકેજ
Published On - 11:12 am, Tue, 27 October 26