ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ પ્રસિદ્ધ રામકથા કાર મોરારીબાપુનું ગામ છે. તલગાજરડા મોરારીબાપુના નામથી ઓળખાય છે. પરંતુ આ ગામમાં છેલ્લા 20- 25 વર્ષથી રસ્તાઓ બિસમાર છે, જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા છે અને ખાડામાં પાણી ભરાયેલા છે. આવા માર્ગો પરથી ગ્રામજનો ચાલવા માટે લાચાર છે. કેટલાંક માર્ગો બનાવવા માટે વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી છે,પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. સૌથી ગંભીર સ્થિતિ ત્યારે સર્જાય છે, જ્યારે ગામના માર્ગો પર દૂષિત પાણી ભરાઈ જાય છે. ગ્રામજનોને આ પાણીમાંથી વાહન લઈને અથવા પગપાળા પસાર થવાની ફરજ પડે છે.
રસ્તા પર દૂષિત પાણી ભરાવાને કારણે સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને નાના બાળકોને આ પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે રોગચાળાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, તલગાજરડા ગામની સમસ્યાઓને લઈને તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત અને ઉપલા અધિકારીઓ સુધી રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સમસ્યાઓનું કાયમી નિરાકરણ ન આવતાં ગ્રામજનોમાં રોષ છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોટા વાહનો પસાર થવાના કારણે સમસ્યા સર્જાય છે અને તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે સવાલ એ છે કે તાત્કાલિક પ્રયાસો બાદ કાયમી ઉકેલ ક્યારે આવશે? અને ગ્રામજનોને કાદવ તથા દૂષિત પાણીમાંથી પસાર થવાની લાચારીમાંથી ક્યારે મુક્તિ મળશે?
તલગાજરડા ગામમાં મોરારીબાપુનો આશ્રમ આવેલો છે. અહીં માત્ર ભાવનગર કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી ભાવિકો આવતા હોય છે. પરંતુ ગામના રસ્તાઓ અને પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિકો ઉપરાંત અહીં આવતા મુલાકાતીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એક તરફ તલગાજરડા આધ્યાત્મિક ઓળખ ધરાવતું ગામ છે, તો બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ માટે ગ્રામજનોને રજૂઆતો કરવી પડે છે. વારંવાર ડબલ એન્જિન સરકારના વિકાસના મસમોટા દાવા કરવા પડે છે પરંતુ રોડ,રસ્તા, ગટર, પાણીની સામાન્ય કહી શકાય તેવી સુવિધા આપવામાં પણ તંત્ર નાકામ સાબિત થયુ છે. ત્યારે શું ડબલ એન્જિન અને શું વિકાસ?
Input Credit- Sanjay Vala- Bhavnagar
Published On - 8:05 pm, Sun, 4 October 26