વાહનચાલકો ભયભીત, ભાવનગરમાં ખખડધજ રસ્તાથી સ્થાનિકો પરેશાન, તંત્રની બેદરકારીથી હાલાકી, જુઓ Video

ભાવનગરમાં રોડ-રસ્તાની ખરાબ હાલતથી સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે જ નવા બનેલા રસ્તાઓમાં પણ મસમોટા ખાડા પડતાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે.

વાહનચાલકો ભયભીત, ભાવનગરમાં ખખડધજ રસ્તાથી સ્થાનિકો પરેશાન, તંત્રની બેદરકારીથી હાલાકી, જુઓ Video
| Updated on: Jul 29, 2026 | 6:31 PM

ભાવનગર શહેરમાં રોડ-રસ્તાની ખરાબ હાલતથી સ્થાનિકો ભારે પરેશાન છે. શહેરમાં બિસ્માર અને ખખડધજ રસ્તાઓને કારણે દૈનિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના ચોપડે 114.96 કિલોમીટર લંબાઈના કાચા રસ્તા અને 891.4 કિલોમીટરના પાકા રસ્તા દર્શાવવામાં આવ્યા છે. જોકે, આ આંકડાઓ જમીની વાસ્તવિકતાથી અલગ જણાય છે, કારણ કે મોટાભાગના રસ્તાઓની ગુણવત્તા અત્યંત નબળી છે.

મહત્વની વાત એ છે કે, સાધારણ સભામાં નગરસેવકો દ્વારા શહેરના ખરાબ રસ્તાઓ અંગે વારંવાર હૈયા વરાળ કાઢવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા તેમની રજૂઆતોને ગણકારવામાં આવતી નથી. શાસક પક્ષ પણ બિસ્માર રોડને કારણે હાલાકી ભોગવી રહેલી પ્રજા માટે અધિકારીઓના કાન આમળવામાં નબળો પુરવાર થયો છે. પરિણામે, નાગરિકોની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવતો નથી.

ચોમાસાના પ્રારંભે જ ભાવનગરમાં રસ્તાઓની હાલત વધુ ખરાબ બની છે. એકાદ મહિનાના વરસાદમાં જ મસમોટા ખાડાઓ પડી ગયા છે અને રસ્તાઓ તૂટી ગયા છે. આશ્ચર્યજનક રીતે, હમણાં જ એક વર્ષની અંદર બનાવવામાં આવેલા કેટલાક રોડમાં પણ મોટા ખાડા પડી ગયા છે, જે રોડ વિભાગના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે છે. નબળી ગુણવત્તાવાળા રોડના કારણે ગેરંટી પિરિયડમાં હોવા છતાં, તે તૂટી ગયા છે. ચોમાસું શરૂ થતાં પહેલાં અનેક રોડ ખોદી નાખવામાં આવ્યા હતા, અને ચોમાસું શરૂ થતાં આ કામ અધૂરા મૂકી દેવાયા છે. જેના કારણે ભાવનગરની પ્રજા વધુ મુશ્કેલીમાં મુકાઈ છે.

સ્થાનિકો પોતાની આપવીતી વર્ણવતા જણાવે છે કે, રસ્તાઓ સાવ ખરાબ થઈ ગયા છે અને ખાડા એટલા મોટા છે કે રિક્ષાચાલકો અને બાઇકચાલકોના વાહનોના શોક્સ અને ચીપિયા તૂટી જાય છે. કેટલાક ખાડા તો અઢી-અઢી ફૂટ જેટલા ઊંડા છે. સ્ટેશન ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં પણ ખાડાઓમાં પાણી ભરાઈ રહે છે, જેનાથી અકસ્માતનો ભય વધે છે.

આ અંગે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછતા તેમણે જણાવ્યું કે, હાલમાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં પૂરણ કરવાનું કામ શરૂ છે અને તાત્કાલિક ખાડા પુરાશે. આ ઉપરાંત, વરસાદ બંધ થતાં અને તડકો નીકળતા રોડને રીપેર કરાશે. પ્રજાને સમસ્યા ન થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. ખાડા પડવાનું કારણ સવા કલાક-દોઢ કલાકમાં પડેલો ભારે વરસાદ હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, જે રોડની સમયમર્યાદા પૂર્ણ નથી થઈ અને ગુણવત્તા નબળી છે, તેવા કોન્ટ્રાક્ટરોને ચોમાસા પછી રોડનું સમારકામ કરવા માટે નોટિસ અપાઈ હોવાનું પણ તેમણે ઉમેર્યું.

ભાવનગરમાં બિસ્માર રસ્તાઓના દ્રશ્યો ચિંતાજનક છે. અનેક વાહનચાલકો અહીંયાથી પસાર થતા હોય છે અને ક્યારેક અકસ્માતનો ભય પણ સતાવતો હોય છે. તંત્ર દ્વારા હાલ તો ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ નવા બનેલા રોડમાં પણ ખાડા પડી જવાની ઘટનાઓ સામે આવતા રોડની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં અનેક રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે નાગરિકોની હાલાકીમાં વધારો થયો છે.

મોંઘા સોફા, બેડ અને એસી સાવ નજીવા ભાવે ક્યાં મળે છે ?

Follow Us