ભાવનગર ભરતી પરીક્ષા ડમીકાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ડમીકાંડમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શરદકુમાર પનોત, પ્રકાશ દવે, બળદેવ રાઠોડ, પ્રદિપ બારૈયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ પર ડમી ઉમેદવારના નામે પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી હોવાનો આરોપ છે. મહત્વપૂર્ણ છે કે પોલીસે ડમીકાંડમાં સંડોવાયેલા કુલ 36 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પકડાયેલા ચાર આરોપી પૈકી શરદકુમાર પનોત તળાજા તાલુકાના દિહોર ગામના વતની છે. જે સરતાનપર ગામમાં શિક્ષક છે અને તે પ્રકાશ ઉર્ફે પી.કે બન્ને ડમી ઉમેદવારો બેસાડીને પરીક્ષા આપવાનું કામ કરતા હતા, બન્ને પૈસા લઈને ડમી કૌભાંડ કરતા હતા, બળદેવ રાઠોડ 10 હજાર રૂપિયા લઈને ખોટા ડોક્યુમેન્ટ બનાવી આપવાનું કામ કરતા હતા, જ્યારે પ્રદીપકુમાર બારૈયા હાલ જેસરની કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેને અનેક ડમી ઉમેદવાર બેસાડેલા હોવાનું ખુલ્યું છે. અગાઉ પણ તે ડમી ઉમેદવાર બેસાડવામાં સકંજામાં આવી ગયો છે.
ડમીકાંડની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ તેમ એક પછી એક ચોંકાવનારા ખૂલાસા સામે આવી રહ્યા છે. તપાસમાં ખૂલાસો થયો છે કે ડમીકાંડનું એપીસેન્ટર ભાવનગર છે. એવુ પણ મનાઈ રહ્યુ છે કે ‘ડમીકાંડ’ના માસ્ટર માઈન્ડે ભાવનગરમાંથી રાજ્યભરમાં કૌભાંડ આચર્યુ હતુ. અત્યાર સુધીમાં આ ‘ડમીકાંડ’માં પોલીસે 36 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે સૂત્રોનું માનીએ તો આંકડો 70ને પાર પહોંચી શકે છે.
આ પણ વાંચો: Bhavnagar: પેપરલીક કેસમાં 1 વિદ્યાર્થિની પણ સામેલ, જાણો પેપર લીક અંગેની સમગ્ર વિગતો
એટલુ જ નહીં ‘ડમીકાંડ’માં શૈક્ષણિક અને ભરતી બોર્ડની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. કારણ કે ડમીકાંડ સુઆયોજીત ષડયંત્ર વિના શક્ય નથી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 11 વર્ષથી વિવિધ પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસાડતા હતા અને ડમીના આધારે હાઇકોર્ટમાં પટાવાળાની નોકરી મેળવ્યાના પણ દાખલા સામે આવ્યા છે. સૂત્રોનું માનીએ તો આરોપીઓ સરકારી નોકરી માટે 12 લાખ સુધીની રકમ પડાવતા હતા.
ઈનપુટ ક્રેડિટ- અજિત ગઢવી- ભાવનગર
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…