ભાવનગરમાં ડુંગળીના સતત ગગડી રહેલા ભાવને કારણે જગતના તાતની આર્થિક હાલત વધુ કફોડી થઇ છે. ત્યારે ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સમક્ષ ખેડૂતોએ તેમની વ્યથા રજૂ કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ખેડૂતોએ ભગવંત માનને જણાવ્યું હતુ કે ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો પાકનો નાશ કરવા મજબૂર બન્યા છે.
ખેડૂતોની રજૂઆતની સામે ભગવંત માને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદીની તૈયારી બતાવી હતી. ભગવંત માને ખેડૂતોને આગામી 2 સપ્તાહ સુધી ડુંગળીના પાકનો નાશ ન કરવા જણાવ્યું હતુ. ભગવંત માને કહ્યું કે તેઓ તેમના અધિકારીઓ સાથે વાતચીત કરશે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્લી સરકાર ડુંગળીની ખરીદી કરશે તેવું આશ્વાસન પણ ભગવંત માને ખેડૂતોને આપ્યું.
મહત્વનું છે કે ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે, પરંતુ ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી જતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 20 કિલો ડુંગળીના 40 થી 50 રૂપિયા જેવા તળિયાના ભાવ મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી કિસાન મોરચા તથા ભાવનગર જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા ન તો સબસીડી જાહેર કરાઇ છે કે ન તો ટેકાના ભાવ જાહેર કરાયા છે. જેના કારણે અનેક ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા છે.
ભાવનગર મહુવા માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. સૌરાષ્ટ્રમાં ડુંગળીનું હબ ગણાતા મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની કુલ 6 લાખથી વધુ આવક થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી વેચવા યાર્ડમાં આવ્યા હતા, પરંતુ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ડુંગળીના 50થી 90ના આસપાસ ભાવ મળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. મોંઘાભાવના બિયારણ સામે ખેડૂતોનો ખર્ચ પણ નહીં નીકળતા ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.