ભાવનગરમાં સરસ્વતીનુ ધામ પણ ગંદકીમાંથી બાકાત નથી. શહેરની મહાનગરપાલિકા સંચાલિત શાળા બહાર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. દુર્ગંધ મારતી શાળામાં પ્રવેશતા જ કચરા અને માથુ ફાટી જાય તેવી દુર્ગંધનો સામનો કરવો પડે છે. એક તરફ શાળાને સરસ્વતીનું ધામ માનવામાં આવે છે. પરંતુ અહીં તો સરસ્વતીના ધામની બહાર જ ગંદકીના ગંજ ખડકાયા છે.
એક તરફ ભાવનગર મનપા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાના મોટા મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની આસપાસ જ કચરાના ઢગ પડ્યા છે. આવા દુર્ગંધયુક્ત વાતાવરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર ગંભીર અસર કરે છે.
શાળાની આસપાસ ગંદકીના સામ્રાજ્યને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને પૂછતા તેમને બચાવની મુદ્રામાં આવી ગયા હતા. તેમને જણાવ્યું કે અનેક શાળાની આસપાસ ગંદકીને લઇને ફરિયાદો મળી છે. જ્યાં ફરિયાદ મળી છે ત્યાં તપાસ કરીને જવાબદારો વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.
આ તરફ ભાવનગરમાં ક્રિકેટના મેદાનની પણ સ્પષ્ટ ઉણપ વર્તાઈ રહી છે. અત્યાર સુધીમાં ભાવનગરના અનેક ક્રિકેટરો રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌવત બતાવી ચુક્યા છે. ત્યારે હવે ભાવનગરને પણ પ્રથમ શ્રેણીનું ક્રિકેટનું મેદાન મળશે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના મેદાનની કાયાકલ્પ થવાની શરૂઆત થઈ ચુકી છે. ભાવનગરમાં છેલ્લે વર્ષ 1994માં રણજી ટ્રોફીની મેચ યુનિવર્સિટી મેદાનમાં રમાડવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગરમાં એકપણ મેચ રમાઈ ન હતી. ક્રેકિટની જરૂરિયાત અને સગવડતાને ભાવનગરના મેદાન પરિપૂર્ણ કરી શક્તા ન હોવાથી 29 વર્ષથી એકપણ મેચ રમાઈ નથી.
એમ.કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ ક્રિકેટ મેદાન અને 8 પિચ બીસીસીઆઇના પ્રથમ શ્રેણી ક્રિકેટના માપદંડો મુજબનું બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે. હાલ ભાવનગર યુનિ. મેદાનને સંપૂર્ણપણે ખેડી નાખવામાં આવ્યુ છે. તેમાં 8 પીચ, પૂર્ણકદની બાઉન્ડ્રી, સંપૂર્ણ ઘાસ વાળુ મેદાન, ડ્રેનેજ સીસ્ટમ, ઘાસને પાણી આપવા માટેની ફુવારા પધ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…