
ચિત્રકુટધામ તલગાજરડામાં ભવ્ય રીતે સંતવાણી સન્માન સમારંભ યોજાયો હતો. પ્રસંગે મોરારિબાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, “ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે.” બાપુએ સમજાવ્યું કે ભજનથી ભૂતકાળની ચિંતા દૂર થાય છે, ભવિષ્ય પ્રેરણાદાયી બને છે અને વર્તમાનમાં પ્રગતિ શક્ય બને છે.
મોરારિબાપુએ જણાવ્યું કે ભજનાનંદી વ્યક્તિને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહના ભાવો હોતાં નથી અને તે મર્મ, ધર્મ અને કર્મની સાચી સમજ મેળવી લે છે. બાપુએ ઉમેર્યું કે ભજન હંમેશા આનંદ અને ઉર્જાનો સ્ત્રોત છે, જે માનવીના જીવનને પ્રકાશિત કરે છે.
કારતક વદ બીજના દિવસે, જે બાપુના પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ તરીકે મનાવવામાં આવે છે, તે પ્રસંગે આ સન્માન સમારંભ યોજાયો હતો. સંતવાણી વંદના સમારંભમાં સંતવાણીના આદિ સર્જક ભક્ત કવિ ગેમલદાસજી (ગેમલજી ગોહિલ)ની વંદના કરવામાં આવી.
વર્ષ 2025 માટેના સંતવાણી સન્માનથી સન્માનિત થયેલાં ભજનિકોમાં પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) અને મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર)નો સમાવેશ થાય છે. તમામને મોરારિબાપુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.
આ સમારંભના સંચાલનનો ભાગ હરિશ્ચંદ્ર જોષીએ સંભાળ્યો હતો. તેમણે પ્રસંગોચિત વક્તવ્યમાં ગેમલજીબાપુની રચનાઓ અને જીવનચરિત્રનો ઉલ્લેખ કર્યો તેમજ આ સન્માન ઉપક્રમના વિકાસના તબક્કાઓની વિગત રજૂ કરી.
કાર્યક્રમમાં સંતો, મહંતો, વિદ્વાનો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અંતે ભજનિકોએ પોતાની વાણી દ્વારા સંતવાણીનું પાવન ગાન કરીને સમગ્ર પરિસર ભજનમય બનાવી દીધું.
Published On - 5:26 pm, Sat, 8 November 25