ભાવનગર મહાનગરપાલિકાને લોકોના જીવની કંઈ પડી નથી, વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા છે પરંતુ તંત્ર નથી કરી રહ્યુ કોઈ નક્કર કામગીરી

ભાવનગર શહેરની ગંભીર સમસ્યાઓ પૈકી રસ્તા પર રખડતા ઢોરની સમસ્યાનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. રખડતા ઢોરને કારણે નાના મોટા અકસ્માતો તો થાય છે પરંતુ અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ચોમાસા દરમિયાન આ સમસ્યા વધુ ગંભીર બને છે. એકતરફ ચોમાસુ નજીક છે અને હજુ કોર્પોરેશન દ્વારા ઢોર પકડવા માટેનું કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યુ નથી.

ભાવનગર મહાનગરપાલિકાને લોકોના જીવની કંઈ પડી નથી, વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા છે પરંતુ તંત્ર નથી કરી રહ્યુ કોઈ નક્કર કામગીરી
| Edited By: | Updated on: Jun 16, 2026 | 5:26 PM

ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરનો પ્રશ્ન વર્ષોથી ચાલ્યો આવે છે. રખડતા ઢોરના પ્રશ્ને સાધારણ સભામાં પણ અનેકવાર ઉગ્ર ચર્ચાઓ થઈ છે. એટલું જ નહીં પરંતુ ખુદ ભાજપના નગરસેવક દ્વારા જ રાજીનામું આપવા સુધીની તૈયારી બતાવી હતી. પરંતુ જમીની હકીકત એ છે કે આજે પણ ભાવનગર શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર થયો નથી. રખડતા ઢોર પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ એક વર્ષ થયું છતાં એક પણ ઢોર એજન્સી દ્વારા પકડવામાં આવ્યું નથી.

હાલમાં કોર્પોરેશનના એકલદોકલ કર્મચારીઓ દ્વારા રોજના સરેરાશ આઠ જેટલા ઢોર પકડી ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. રખડતા ઢોર પકડવામાં તો આવે છે અને ભવિષ્યમાં વધુ ઢોર પકડવામાં આવશે. પરંતુ તે ઢોરને પકડી કોર્પોરેશનના ચાર ઢોર ડબ્બામાં પુરવામાં આવે છે. હાલમાં 2150 ઢોરને ડબ્બામાં નિભાવવામાં આવે છે. તે ડબ્બાની કેપેસિટી પણ અંદાજે ત્રણ થી સાડા ત્રણ હજાર ઢોર નિભાવી શકે તેટલી જ છે. એટલે કે માત્ર ઢોર પકડવા ઉકેલ નથી પરંતુ પકડાયેલા ઢોરને વધુને વધુ ગૌશાળાઓમાં મોકલવા પણ જરૂરી બન્યું છે.

ભાવનગર કોર્પોરેશન હદ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવા માટે અમદાવાદની પરિષદ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ કોર્પોરેશન દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં એજન્સી દ્વારા એક પણ ઢોર નહીં પકડી ગંભીર બેદરકારી દાખવતા તેને બ્લેકલિસ્ટ અને ડિપોઝિટ ફોર ફીટ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે આ અંગે ભાવનગર મેયર ને પૂછતા તેમને જણાવેલ કે ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અને આવતા ચોમાસામાં લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. રખડતા ઢોરને લઈને તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હોવાના દાવા તો કરાઈ રહ્યા છે. વિપક્ષના કોર્પોરેટરને પૂછાતા તેમણે પણ ભાજપના શાસનની ઘોર બેદરકારી ગણાવી હતી.

ખેડૂતોનું આંદોલન ગાંધીનગર પહોંચે એ પહેલા જ પડ્યા બે ફાંટા, હવેે 30 જૂને ફરી ચક્કાજામ કરવાનું અપાયુ એલાન

 

Published On - 5:00 pm, Tue, 16 June 26

Follow Us