એક સમય હતો જ્યારે મોતીબાગ ટાઉનહોલ ભાવનગર શહેરની શોભા અને નજરાણુ ગણાતો હતો. ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જ્યાં રાજ્યાભિષેક થયો હતો એવો રાજાશાહી સમયનો ઐતિહાસિક ધરોહર સમાન મોતીબાગ ટાઉનહોલ હાલ જાળવણીના અભાવે કબાડીખાનુ બનવાની કગાર પર છે. આજે મોતીબાગને જોઈને હરકોઈને એ જ વિચાર આવે કે ‘ખંડહર બતા રહા હૈ કિ ઇમારત કિતની બુલંદથી’
કરોડોના ખર્ચે રિનોવેશન કરાયા બાદ પણ જાળવણીના અભાવે ટાઉન હોલ ખંડેર બની ગયો છે. કોર્પોરેશનની અણઆવડતનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. બન્યુ એવુ કે શહેરમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી એ દરમિયાન ગેરકાયદ રીતે ઉભા કરાયેલા દબાણો હટાવવામાં આવ્યા પરંતુ આ દબાણ દરમિયાન જપ્ત કરાયેલા લારી ગલ્લાઓ મોતીબાગ ટાઉનહોલના બગીચામાં મુકવામાં આવ્યા.
જે ટાઉનહોલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ધરોહર છે. જે ટાઉનહોલ ભારતીય મુઘલ અને ગ્રીક સ્થાપત્ય શૈલીનું સંયુક્ત ઉદાહરણ છે. જે મહારાજા સાહેબનો લગ્નમંડપ ગણાય છે, જે મોતીબાગમાં મહારાજાકૃષ્ણકુમારસિંહજીએ 1931માં પ્રજાલક્ષી યોજનાઓની જાહેરાતો કરી હતી. એ ટાઉનહોલને કોર્પોરેશને કબાડી ખાનુ બનાવી દીધો.જો કે વિવાદ બાદ મનપાના સત્તાધિશોનું કહેવુ છે કે આ વ્યવસ્થા કામચલાઉ છે. મેયર કહે છે કે દિવાળીનો તહેવાર હોવાથી શહેરમાં અડચણરૂપ લારી-ગલ્લા ટાઉનહોલની પાછળના ભાગમાં મુક્યા હતા હવે તેને તાત્કાલિક ઉઠાવી લેવામાં આવશે.
આ પણ વાંચો: ભાવનગરમાં ફટાકડા ફોડવા જેવી બાબતે કર્યો હુમલો તો અન્ય એક ઘટનામાં કાર કાઢવા જેવી બાબતે મારામારી- જુઓ વીડિયો
કોર્પોરેશનની આ દલીલ ભાગ્ય જ કોઈને ગળે ઉતરે. જે ધરોહરની જાળવણી પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે અને તેમા જ પાછો શહેરનો ભંગાર ઠલવવામાં આવે તે અણઘડ આયોજનનો નમૂનો નહીં તો બીજુ શું ? તે સવાલ થયા વિના ન રહે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:51 pm, Tue, 14 November 23