લગ્ન એ જીવનનો સૌથી મોટો અને સૌથી ગંભીર નિર્ણય હોય છે. આ નિર્ણય જો સંપૂર્ણપણે લઈ પણ લીધો તો પણ ગરીબ પરિવારોને લગ્નમાં થતા ખર્ચાની ચિંતા નજર સમક્ષ રહે છે. આપણા સમાજમાં ઘણી આશ્રિત દીકરીઓ પણ છે જેને ક્યાથી સહાય મેળવવી તે એક મોટો પડકારરૂપ પ્રશ્ન હોય છે. જીવનમાં સાચા ખોટા નિર્ણયો માટે દોરનાર કોઈ નથી. પરંતુ ભાવનગરમાં (Bhavnagar) આવી દિકરીઓને વ્હારે તંત્ર આવીને પાલક પિતા બનીને લગ્ન કરાવે છે.
નારી સંરક્ષણ ગૃહ કેન્દ્રોમાં આશ્રિત દીકરીઓને લગ્નની સહાય અર્પણ કરવામાં આવે છે. આવી જ એક દીકરીના લગ્ન ભાવનગરમાં 12 મે 2023ના રોજ થયા છે. ભાવનગર જિલ્લાના નારી સંરક્ષણ કેન્દ્રમાં રહેતી 29 વર્ષીય દીકરીના લગ્ન આતીષભાઈ શાંતિલાલ પરમાર જે ભાવનગરમાં ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે તેમના સાથે કરવામાં આવ્યા છે. દિકરી નીનાબેન નાનપણથી અલગ-અલગ સંસ્થાઓમાં ઉછરેલી હતી અને છેલ્લા 12 વર્ષથી પાલીતાણાના નારી સંરક્ષણ કેન્દ્રમાં રહે છે. જો કે તેને સરકારની સહાયથી જીવનના સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં મદદ મળી છે.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે. નિરાલા જણાવ્યુ કે, “નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રોમાં આશ્રિત બહેનોને લગ્ન અંગેની સહાય વર્ષ 2022-23 સુધી 20 હજાર રુપિયા આપવામાં આવી હતી. જે વર્ષ 2023-24 માં વધારીને રૂ. 1 લાખ 50 હજાર કરવામાં આવી છે. રૂ. 50 હજાર દીકરીનાં બેંક ખાતામાં સીધા DBT થી અને રૂ. 50 હજારના નેશનલ સેવીંગ સર્ટિફિકેટ (NSC) તેમજ રૂ. 50 હજાર લગ્ન માટેના ખર્ચ માટે આપવામાં આવ્યા છે. જેનાં થકી અનેક આશ્રિત બહેનોને સહાય પ્રાપ્ત થાય છે.”
વધુમાં તેમણે જણાવ્યુ કે ગુજરાત સરકારના આ હકારાત્મક અભિગમ દ્વારા અનેક દિકરીઓને આર્થિક સહાય મળી રહે છે અને લગ્નને લગતી અનેક ચિંતાઓથી મુક્તિ મળે છે જેને તે બિરદાવે છે.
આ પ્રસંગે મેયર કિર્તીબાળા દાણીધારીયા, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે કે નિરાલા, પ્રાદેશિક નાયબ નિયામક ઇલાબા રાણા, ભાવનગરના અધિક કલેકટર બી.જે.પટેલ, યુવરાજ સિદ્ધાર્થ, પાલીતાણા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કિરણ એચ. મોરિયાણી, ભાવનગર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
(વિથ ઇનપુટ-અજીત ગઢવી)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…