
ભાવનગરમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની છે. ચોમાસામાં ઢોરની સમસ્યા વધુ વિકટ બની છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા ઢોર સમગ્ર રસ્તાને બાનમાં લે છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે. રખડતા ઢોરના કારણે અનેકવાર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે. કેટલાક હતભાગીઓએ ઢોરના ત્રાસથી પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ભાવનગરના મુખ્ય રોડ એવા ચિત્રા રોડ પર માર્કેટિંગ યાર્ડથી લઈને નીલમબાગ સુધી રખડતા ઢોર રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા નજરે પડે છે. છેલ્લા 30 વર્ષથી ભાવનગર મનપામાં ભાજપનું શાસન છે પરંતુ ઢોરની સમસ્યાના ઉકેલમાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરનો આરોપ છે કે ઢોર પકડવાની કામગીરીમાં મનપા બેદરકાર રહી છે.
દર ચૂંટણીઓમાં રખડતા ઢોરની સમસ્યાઓ માંથી મુક્ત કરાવશે તે વાયદાઓ મુખ્ય હોય છે. પરંતુ આ જ દિન સુધી ભાજપના શાસકો કે મહાનગરપાલિકાના અનુભવી અધિકારીઓ આજ દિન સુધી પ્રજાની આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી, ભાવનગર શહેરમાં પ્રવેશ કરો અને ભાવનગરનો મુખ્ય રોડ એવા ચિત્રા રોડ પર માર્કેટિંગ યાર્ડથી લઈને નીલમબાગ સુધી અને આમ નારી ચોકડી સુધી જ્યાં જુઓ ત્યાં આખલાના દર્શન થાય છે. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના ડેપ્યુ મેયર સહિત અનેક લોકોનું આખલા અને રખડતા ઢોરના અડફેટે આવી જવાથી મોત થવાની ઘટનાઓ અગાઉ સામે આવી છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે આમ છતાં આ તમામ ઘટનાઓમાંથી બોધપાઠ લેવાના બદલે મનપાના શાસકો કોઈ નક્કર પગલા લેતા નથી અને અધિકારીઓ એકલદોકલ ઢોરને પકડીને માત્ર કામગીરી દેખાડવાનું નાટક કરી રહ્યા છે.
હાલમાં ચોમાસુ શરૂ થયું છે આખલાઓ સિવાય માલિકીના ઢોર ગાયો, વાછરડા અને બિન માલિકીના પણ ઢોર રસ્તા ઉપર આવી જાય છે. એક તરફ મહાનગરપાલિકાની દયાથી શહેર ના રસ્તા ઉપર ખાડા બીજી તરફ વરસાદ અને ત્રીજી તરફ આખલા આ બધી જ સમસ્યાઓથી ભાવનગરની પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી છે. અનેક રજૂઆતો વિરોધ કરવા છતાં આજ દિન સુધી કોઈ આ સમસ્યાનો ઉપાય લાવી શક્યા નથી, ત્યારે હાલમાં ભાવનગરમાં ચોમાસુ શરૂ થતા જ રોડ પર રખડતા ઢોરનું રાજ શરૂ થઈ ચૂક્યું છે. આ અંગે કોંગ્રેસ ના કોર્પોરેટરે મનપાના શાસકો અને અધિકારીઓની ઘોર બેદરકારી ગણાવી હતી અને થતા અકસ્માતો અને મૃત્યુની ઘટનાઓ માટે જવાબદાર શાસકો અને અધિકારીઓને ઠેરવ્યા હતા, જોકે મેયરને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ અંગે પગલાં લેવાના શરૂ કર્યા છે. ઢોર પકડવાની સંખ્યા વધારવામાં આવી છે. અને લોકોને મુશ્કેલી ન વધે તેના માટેના પ્રયત્નો શરૂ છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
Published On - 9:00 pm, Sun, 12 July 26