રાજ્યમાં રખડતા ઢોરનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો હાઈકોર્ટે રાજ્ય સરકારને અનેક નિર્દેશ છતાં તંત્ર તેનો કડક અમલ કરાવવામાં નિષ્ફળ નિવડ્યું હોય તેમ લાગી રહ્યું છે. આવી જ એક ઘટનામાં રખડતા ઢોરે યુવાનનો ભોગ લીધો છે અને ભાવનગરમાં ફરી રખડતા ઢોરને કારણે એક નિર્દોષ યુવાને જીવ ખોવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં ત્રાપજ બંગલા પાસે રખડતા ઢોરની અડફેટે એક યુવાનનું મોત થયું છે. બનાવની વાત કરીએ તો ત્રાપજ બંગલા પાસે એક યુવાન કાર લઇને જઇ રહ્યો હતો ત્યારે રસ્તા પર આખલાની અડફેટે આવ્યો હતો. અચાનક રસ્તા વચ્ચે આખલો આવી જતા કારનો અકસ્માત થયો હતો અને યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.
ભાવનગર મહાનગરમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર ઢોર અડિંગો જમાવી બેસેલા જોવા મળે છે. ટ્રાફિકમાં અડચણરૂપ ઢોર ક્યારેક અકસ્માતનું પણ કારણ બને છે. જ્યભરમાં રખડતા ઢોરનાત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે. ભૂતકાળમાં આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા. આમ છતા હજુ પણ ઘણા મહાનગરોમાં રખડતા ઢોર હજુ પણ અડિંગો જમાવીને બેઠેલા જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં પણ રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત છે. હાઇકોર્ટના કડક આદેશ આપ્યા બાદ પણ નક્કર અમલવારીના અભાવે રખડતાં ઢોરના કારણે ભાવનગરમાં એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે.
મહત્વનું છે કે 24 ઓગસ્ટે હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે રખડતા ઢોરને કારણે કોઇના જીવ ન જવા જોઇએ. જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે ગતરોજ રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી? જોકે વિવિધ જિલ્લા તંત્રને આ આદેશની પડી ન હોય તેમ શહેરીજનો વારંવાર કડતા ઢોરના આતંકનો ભોગ બને છે
Published On - 12:30 pm, Wed, 25 January 23