ઢોરવાડામાં જો ક્ષમતાથી વધુ પશુઓ પુરી દેવાય તો પશુઓ માટે દયનીય પરિસ્થિતિ સર્જાય છે. કંઇક આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે કે ભાવનગર મહાનગર પાલિકાના ઢોરવાડામાં. જ્યાં ક્ષમતા કરતા વધુ પશુઓ રાખવાથી કેટલાંક પશુઓના મોત થવાથી ચકચાર મચી છે. વીડિયોમાં દ્રશ્યો જોવા મળે છે કે દરેક જગ્યાએ માત્ર ઢોર જ ઢોર દેખાય છે. આવી દયનીય સ્થિતિ છે ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુઓની અને આ ઘોર બેદરકારી છે ભાવનગર મનપાની.
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સ્થિતિની ચાડી ખાતો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં ઘટનાની ગંભીરતા જોવા મળી રહી છે ઠસોઠસ પશુઓ લાચાર બનીને ઉભા રહ્યા છે, પરંતુ અબોલ પશુઓની દયા ખાનાર કોઇ નથી.
આપને જણાવી દઇએ કે પાછલા એક જ મહિનામાં મનપાની ટીમોએ 2 હજાર 200થી વધુ રખડતા ઢોર પકડ્યા છે અને આ તમામ ઢોર એક જ ઢોરવાડામાં ભરી દેવાયા છે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે પાછલા 20 દિવસથી મહાનગર પાલિકાનું તંત્ર નવા બે ઢોરવાડા શરૂ કરવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ આ તમામ દાવા નિષ્ફળ સાબિત થયા છે. TV9ની ટીમે જ્યારે ઢોરવાડાની સ્થિતિ જાણી તો વરવી વાસ્તવિકતા સપાટી પર આવી હતી.
ઢોરવાડાની સ્થિતિ જણાવીએ તો અહીં ક્ષમતાથી વધુ ઢોર તેમજ ઘાસચારાની કોઇ વ્યવસ્થા નથી, ઢોરને પીવા માટે પાણી પણ નથી અને પાણી વિના જ પશુઓ તરફડીયા મારીને મોતના મુખમાં સરકી રહ્યા છે, તો નાના વાછરડાની હાલત પણ દયનીય બની છે. TV9ના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મનપાના દાવાઓની પોલ ખોલનારા છે. માનવામાં આવી રહ્યું છે કે નવા ઢોરવાડા શરૂ ન કરતા આ સ્થિતિ સર્જાઇ છે. જેને લઇને માલધારી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.