ભાવનગર મહાનગરમાં જાહેર સ્થાન ઉપર આવેલા ધાર્મિક સ્થાનોને નોટિસ અંગેનું મામલો ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો, ત્યારે ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી અને કમિશનરને યોગ્ય કરવા રજૂઆત કરી હતી, જેને લઈને મનપા કમિશનરે સકારાત્મક પ્રતિસાદ આપી જણાવ્યું હતું કે લોકો ગેરમાર્ગે દોરાય નહીં અને કોઈ પણ સંપ્રદાયની લાગણી દુભાય નહી તે માટે સંબંધિત સંપ્રદાયના વ્યક્તિઓને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવશે, જે ખોટી રીતે લારી ગલ્લા ચલાવવા માટે ધર્મસ્થળ ઊભા કર્યા હોય, કોઈ ધર્મસ્થળ બિલકુલ રોડ પર હોય અને અન્ય કોઈ વિકલ્પ ન હોય તો જ હટાવવામાં આવશે, તમામ જે ધાર્મિક સ્થળ છે તેની સાથે જોડાયેલા ધાર્મિક લોકોની લાગણીઓ ન દુભાય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે, આ બાબતને લઈને ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા શ્રધ્ધાળુ લોકોએ હાશકારો અનુભવ્યો છે.
ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યા એ વર્તમાનમાં જાહેર સ્થાનો પર રહેલ ધાર્મિક સ્થાનને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવાના અનુસંધાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ વિભાગના સચિવ એ.કે.રાકેશને રજૂઆત કરી હતી તેના અનુસંધાને મુખ્યમંત્રીએ શ્રદ્ધા અને ન્યાયિક બાબત વચ્ચે સંતુલન જાળવીને ધર્મસ્થાનો પ્રત્યે સકારાત્મકતા વલણ દાખવી કાર્યવાહી કરવા સૂચના આપેલ છે. એ બાબતની ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી ઉપાધ્યાયને સૂચના મળતા તેમણે ધાર્મિક સ્થાનોની ભૌગોલિક પરિસ્થિતિને અનુસંધાને ધાર્મિક સ્થાનને જાળવી રાખવા અંગેના તમામ શક્ય વિકલ્પોને ચકાસી બચાવવાની સંભાવનાઓને ધ્યાનમાં લઇ ન્યાયસંગત અભિગમ દાખવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. અને આ સિવાય ધાર્મિક સ્થળો સાથે જોડાયેલ તમામ લોકોની ધર્મની શ્રદ્ધાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવશે અને ત્યારબાદ જ બધી જ દિશાઓમા વિચારીને કાર્યવાહી થશે,
ધાર્મિક દબાણ બાબતે અમુક લોકો દ્વારા ગેરમાર્ગે લોકો દોરાય એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. સરકારની સૂચના મુજબ રેગ્યુલરાઈઝ થઈ શકે તેવા હોય તો તેવા દબાણો રેગ્યુલરાઈજ કરવાના છે. ત્યારબાદ તેમને અન્ય સ્થળે ફેરવી શકાતા હોય તો તેને લોકેટ કરવાના છે. ત્યાર બાદ અમુક ભાગ હટાવવાથી કે સાઈઝ નાની કરવાથી રસ્તા પર દબાણ દૂર થતો હોય તો તેને રેગ્યુલરાઈઝ કરવાના છે. અને બિલકુલ રસ્તા પર હોય અને અન્ય વિકલ્પ ન હોય તેને જ દૂર કરવાના છે. તેથી કોઈ પણ સંપ્રદાયની લાગણી દુબાઇ નહીં તે માટે તમામ લોકોને સંપ્રદાયને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવશે, તેવું પણ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ બાબતે હિન્દુ સંગઠનો દ્વારા પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી અને કોઈપણ ધર્મના લોકોની લાગણી ન દુભાય તેવી રીતે કાર્યવાહી કરવા પણ અપીલ કરવામાં આવેલ છે.