ભાવનગર જિલ્લાના મહુવામાં વીજ કરંટ લાગતા 3 માસૂમ બાળકોના મોત થઈ ગયા હતા. બાળકોના આ પ્રકારે આકસ્મિક મોતથી સમગ્ર પરિવાર આઘાતમાં ડૂબી ગયો હતો તેમજ ગામમાં પણ શોકનો માહોલ પ્રસરી ગયો હતો. મહુવા તાલુકાના દાઠા ગામ પાસે આવેલા કાટકડા ગામમાં 3 બાળકો શાળાએથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બાજુની વાડીમાંથી તેમને ઈલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો.
બાળકોને કરંટ લાગવાની જાણ થતા જ આજુબાજુના વાડીના લોકો ત્યાં દોડી આવ્યા હતા, પરંતુ કરંટ ભારે હોવાથી બાળકોના ત્યાં જ મૃત્યુ થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વીજળીનો વાયર ખુલ્લો હોવાથી બાળકો તેનો ભોગ બન્યા હતા. બાળકોને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યારે ફરજ પરના તબીબે બાળકોને મૃત જાહેર કર્યા હતા.
મૃત્યુ પામેલા ત્રણ માસૂમ બાળકોના નામ
1 કોમલ મગનભાઈ ચોહાણ (ઉં.વ 12)
2 નૈતિક કનુભાઈ જંબુચા (ઉં.વ 12)
3 પ્રિયંકા કનુભાઈ જંબુચા (ઉં.વ 12)
Three kids electrocuted to death in Mahuva, #Bhavnagar#Gujarat pic.twitter.com/sWkgwtVihN
— Tv9 Gujarati (@tv9gujarati) March 7, 2023
બીજી તરફ ભરૂચ જિલ્લાના જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતા 6 મહિનાની બાળકી સહિત માતા પુત્રીનું કરુણ મોત થયા હતા. ભરૂચ જિલ્લામાં સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે ઘણા વિસ્તારોમાં માવઠું પણ થયું હતું. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે તેજ પવન ફુંકાયો હતો.
આકાશમાં ધૂળની ડમરીઓ ઊડતી નજરે પડી હતી જયારે પવનના કારણે મકાનોના પતરાં પડવાની અને વૃક્ષઓ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતા 6 મહિનાની બાળકી સહીત માતા પુત્રીનું કરુણ મોત નીપજ્યું હતું. નર્મદા નદીમાં માછીમારી કરવા ગયેલા માછીમારો પણ પવનના કારણે ફસાયા હતા જોકે સદનશીબે તમામ હેમખેમ કિમારે પરત ફરવામાં સફળ રહ્યા હતા.