શાકભાજીનું વાવેતર કરી બેઠેલા ખેડૂતોને શાકભાજીના ભાવ ગગડતાં રોવાનો વારો આવ્યો છે. હાલમાં શાકભાજીના ભાવ ગગડી ગયા છે. ત્યારે ગૃહિણીઓ તો ઘણી આનંદિત છે કારણ કે વિવિધ પ્રકારના શાકભાજી ગૃહિણીઓને સાવ સસ્તા ભાવે મળી રહ્યા છે. જો કે એકની ખુશી બીજા માટે દુખનું કારણ બની છે. શાકભાજીનો પાક ઉગાડનારા ખેડૂતો શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખૂબ નિરાશ થયા છે. આ વર્ષે શાકભાજીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોટેશનનો ખર્ચ પોષાય તેમ નથી. ખેડૂતોનું કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે તેમને ભાડાના પૈસા પણ નથી નીકળતા.
શિયાળા મોંઘા ભાવે બિયારણ લાવી કરેલા વાવેતર બાદ પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો પરેશાન બન્યા છે. ત્યારે ભાવનગરના ખેડૂતો યાર્ડમાં મફતના ભાવે શાકભાજી વેચી રહ્યા છે. શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને મહામૂલો પાક બજારમાં મફતના ભાવે વેચવો પડી રહ્યો છે. યાર્ડમાં શાકભાજીના વેચાણભાવની વાત કરીએ તો, 20 કિલો ટામેટાના 80થી 120 રૂપિયા, ગુવારના 20 કીલોના 100થી 180 રૂપિયા, કોબીના 90થી 170 રૂપિયા મળી રહ્યા છે તો મરચાં, કોથમીરના ભાવ સાવ ઓછા મળી રહ્યા છે પરિણામે ખેડૂતો નિરાશ છે અને તેમની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે.
આ વર્ષે શાકભાજીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોટેશનનો ખર્ચ પોષાય તેમ નથી. ખેડૂતો સાથે વેપારીઓનો માલ પણ બિલકુલ વેચાતો નથી. જયારે સસ્તી શાકભાજી મળતા ગૃહિણીઓને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે.
શાકભાજીના ભાવ સિઝનમાં સૌથી તળિયે જતાં ખેડૂતોની કફોડી હાલત થઇ છે. ખેડૂતોને જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બન્યો છે, થોડા સમય પહેલા રાજકોટ માર્કેટમાં ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચી રહ્યાં હતા. માત્ર એક મહિનામાં જ શાકભાજીના ભાવ અડધા થઇ ગયા છે. શાકભાજીના ભાવની વાત કરીએ તો એક મહિના પહેલા જે ટામેટા પ્રતિકિલો 15 રૂપિયે વેચાતા હતા તેના ભાવ ઘટીને પાંચ રૂપિયા થઇ ગયા છે. તો કોબી 10 થી ઘટી 2 રૂપિયે કિલો વેચાઇ રહી છે. જ્યારે દૂધી 3, રીંગણ 3, ભીંડા 10, ફ્લાવર 2, વાલ 15, ચોળી 15, મરચાં 10, વટાણા 10 અને કાકડી 5 રૂપિયે કિલોએ વેચાઇ રહી છે. જેને લઇ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Published On - 1:08 pm, Sun, 1 January 23