અંકલેશ્વર(Ankleshwar)માં એક વ્યક્તિ ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે. મોડી રાતે બનેલી ઘટનાનાં પગલે પોલીસ દોડતી થઇ છે. પ્રાથમિક અનુમાન અનુસાર ચૂંટણીની અદાવતે આ હુમલો થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઇજાગ્રસ્તને માથાના ભાગે ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે જાનથી મારી મનખવાની કોશિશ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં ફાયરિંગની આ ટૂંકા સમયગાળામાં બીજી ઘટના છે. તાજેતરમાંજ એક યુવાનની ગોળી ધરબી દઇ જીઆઇડીસી વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી જે બાદ આજે વધુ એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે.
મોડી રાતે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા યુવાન ઉપર ફાયરિંગ થયું છે. અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર અજાણયા શખ્શોએ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. હુમલામાં અહમદ સઈદ વાડીવાળાને માથાના ભાગે ગોળી વાગતા તે ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. માથામાં ગોળી વાગતા ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અહમદ સઈદ વાડીવાળાના પત્ની અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. આ બાદ તેમની કેટલાક લોકો સાથે ચૂંટણી બાબતે તકરાર ચાલી રહી હતી. હુમલા બાબતે ૩ થી ૪ લોકો ઉપર ઈજાગ્રસ્તએ શંકા વ્યક્ત કરી છે. પોલીસે આ વ્યક્તિઓ અંગે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં બંદૂક જેવા હથિયાર દ્વારા ગુના ચિંતાજનકસ્તરે વધી રહ્યા છે. તાજેતરમાંજ અંકલેશ્વર જીઆઈડીસીમાં એક યુવાનની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ ગુનો આંતરિક મામલામાં આચરવામાં આવ્યો હતો પરંતુ બંદૂક જેવા હથિયાર સરળતાથી આરોપીઓ દ્વારા મેળવી લેવાની બાબત ચિંતા જન્માવી રહી છે. ગતરાતે બનેલા બનાવમાં પણ ફાયરિંગની ઘટના સામે આવતા ફરીએકવાર આ મામલો તપાસ માંગી રહ્યો છે.
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ નજીક યુવાન ઉપર ફાયરિંગની ઘટનામાં યુવાનને માથામાં ગોળી વાગી છે જે ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અંકલેશ્વર પોલીસે ઘટના બાબતે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
Published On - 6:38 am, Thu, 4 August 22