
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9થી11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન અમદાવાદ, જામનગર, મહેસાણા અને ભરૂચ (Bharuch)ની મુલાકાત લેવાના છે. આ દરમિયાન પીએમ મોદી ગુજરાતીઓને વિવિધ વિકાસકામોની ભેટ મળવા જઈ રહી છે. ભરૂચમાં રૂ.8200 કરોડથી વધુના પ્રોજેક્ટસનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યુ છે. ભરૂચના જંબુસરમાં ₹2500 કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્ક (Bulk Drug Park)નું નિર્માણ થશે, જેનું પીએમ મોદીના હસ્તે 10 ઓક્ટોબરે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે જ પીએમ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
આત્મનિર્ભર ગુજરાતના વિઝનને હાંસલ કરવા માટે ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગો માટે શ્રેષ્ઠ ઈકોસિસ્ટમ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેને અનુરૂપ રાજ્ય સરકાર ભરૂચમાં ₹8238.90 કરોડના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાનું આયોજન કરી રહી છે, જેમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ, 4 ટ્રાઈબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન, ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટ, GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1 નું ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STP ના કામોનું લોકાર્પણ, ઉમલ્લા અશા પાણેથા રોડ મજબૂતીકરણ અને IOCL દહેજ કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ભારતને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાનના વિઝન હેઠળ બલ્ક ડ્રગ પાર્ક માટેની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના માટે 2015.02 હેક્ટર વિસ્તારમાં ₹2500 કરોડના ખર્ચે ગુજરાતની પસંદગી કરવામાં આવી. આ યોજનાનો હેતુ આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાનો છે.
રાજ્યમાં હાલમાં એક્ટિવ ફાર્મા ઈન્ગ્રિડિયન્ટ જેમકે સેફાલોસ્પોરીન્સ, સ્ટેરોઇડ્સ, ઈનઓર્ગેનિક સોલ્ટ, પ્રોટોન પંપ ઈહિબીટર્સ, પીડાનાશક, એન્ટિપ્રાયરેટિક્સ અને પેરાસીટામોલ, ડીક્લોફેનાક સોડિયમ, એસેક્લોફેનાક, આઇબુપ્રોફેન, એન્ટિ-હાયપરટેન્સિવ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ દવાઓ બનાવવામાં આવે છે, પરંતુ આમાંની મોટાભાગની મુખ્ય પ્રારંભિક સામગ્રીની આયાત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટથી સપ્લાય ચેઈન સરળ થશે, સાથે જ આયાતની અવેજી માટેનો માર્ગ મોકળો થશે અને ભારત બલ્ક ડ્રગ માટે આત્મનિર્ભર બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. ભરૂચમાં પણ આ તમામ ઔદ્યોગિક ક્ષેત્રોને પ્રોત્સાહન મળે અને તેના માટે જાગૃતિ આવે તે માટે વિવિધ ઔદ્યોગિક પાર્કનું નિર્માણ આગામી સમયમાં થશે. જેમાં એગ્રો ફૂડ પાર્ક, 4 ટ્રાઈબલ ઔદ્યોગિક પાર્ક, સીફુડ પાર્ક અને એમએસએમઈ પાર્કનો સમાવેશ થાય છે.