અંકલેશ્વર(Ankleshwar)માં ઘરના આંગણામાં રમતી 9 વર્ષની બાળકી રહસ્યમય સંજોગોમાં લાપતા બન્યા બાદ ભરૂચ(Bharuch) જિલ્લા પોલીસે(Bharuch Police) ૪ મહિના સુધી બાળકીને શોધી કાઢવા આકાશ – પાતાળ એક કરવા છતાં ક્યાંય પત્તો ન મળતા હાઇકોર્ટે મામલે CBI ને આગળની તપાસ સોંપવાનો આદેશ કર્યો છે. આ બાળકીના ગમ થવા બાબતે હાઇકોર્ટમાં Habeas Corpus Petition કરવામાં આવી હતી જે અંગે સ્થાનિક પોલીસની પૂરતી મહેનત છતાં બાળકી મળી ન આવતા આગળની તપાસ CBI ને સોંપવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. આ મામલાની તપાસ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ કરી રહી હતી.
અંકલેશ્વરના સારંગપુર ગામના મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી છે. મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી રૈતૂન આરિફ અન્સારીએ 9 વર્ષીય પુત્રી રૂખ્સાર આરિફ અન્સારી ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ પોતાના ઘરના આંગણામાં રમવા માટે ગઈ હતી તે મોડી રાત સુધી પરત ફરી ન હતી. માતા-પિતા અને પાડોશીએ આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી પણ બાળકી મળી આવી ન હતી. બાળકીની માતાએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સગીરના લાપતા બનવાના મામલાને અપહરણ તરીકે ગંભીરતાથી લેવાના આદેશોના પગલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની તપાસ શરૂ કરી છે.
આઇપીએસ અધિકારી ડો. લીના પાટીલે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સાંભળ્યા બાદ આ મામલે પોતાના દેખરેખ હેઠળ તપાસ આગળ ધપાવી હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાળકીની ભાળ મેળવવા મુંબઈ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વેશ બદલીને પણ તપાસ કરી હતી. સૂત્રો અનુસાર આ પ્રકારના મામલાઓમાં બાળકોનો ઉપયોગ human trafficking ના મામલાઓ સાથે પણ જોડીને જોવામાં આવે છે. ભરૂચ એસપીએ જાતે બાળકીના ઘરે જઈ પરિવાર અને પાડોશીઓ સાથે વાતચીત કરી ઘટના સંબંધિત કલુ મેળવવા પ્રયાસ કર્યા હતા.
એક એનજીઓ દ્વારા બનાવ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં Habeas Corpus Petition દાખલ કરવાં આવી હતી. કોર્ટે બનાવ બાદ પોલીસની તપાસ અને શોધખોળના પ્રયાસને ટીકા નહીં પરંતુ ભેદ ઉકેલવા પ્રયાસ ઓછા પડ્યા હોવાનું ટાંકી લાપતા બાળકીને શોધવાની આગળની જવાબદારી CBI ને સોંપી છે. કોર્ટે એ પણ ધ્યાને લીધું હતું કે ભરૂચ પોલીસે બાળકીને શોધવા પૂરતા પ્રયત્નો કર્યા છે. આ માટે પોલીસની ટીકા નહિ પરંતુ પ્રશંસા કરવામાં આવી હતી. બાળકીને શોધવી ખુબજ જરૂરી હોવાથી આગળની તપાસ CBI ને સોંપવામાં આવી છે.
આ પિટિશન હાઇકોર્ટમાં કરવામાં આવે છે. પિટિશનમાં અરજદાર દ્વારા નામદાર કોર્ટને રજુઆત કરવામાં આવે છે કે સાહેદ લાપતા બન્યો છે જેને શોધી કાઢી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે. આ પિટિશન વ્યક્તિને ગેરકાયદેસરરીતે તાબામાં , પોલીસ કસ્ટડીમાં કે ગમ થવાના કિસ્સાઓમાં કરવામાં આવે છે.
Published On - 10:44 am, Fri, 6 May 22