લોકશાહીના પર્વ એવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ મતથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્રારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે અલિયા બેટના મતદારોને હવે 82 કિલોમીટર દૂર મતદાન કરવા માટે નહીં જવું પડે. નર્મદા નદીની મધ્યમાં આવેલા અલિયા બેટના 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું છે. અહીંના લોકોને અગાઉ મતદાન માટે 82 કિલોમીટર દૂર વાગરા તાલુકાના કલાદરા ગામમાં જવું પડતું હતું, પરંતુ આ વખતની 2022ની ચૂંટણીમાં અલાયદા મતદાન મથકમાં જરૂરિયાતની તમામ વ્યવસ્થા રહેશે.
મતદાન માટે બુથ ઉભું કરવામાં આવતા સ્થાનિકોએ તંત્રનો આભાર માન્યો હતો. ગુજરાતના ભરૂચ નજીક અલિયા બેટ ટાપુ આવેલો છે. વર્ષ 2021 માં સ્થાનિકો ચૂંટણીઓમાં પંચે પ્રથમ વખત અહીં મતદાન મથક બનાવ્યું હતું. તે સમયે મતદાન મથકમા 204 મતદારોએ વોટ આપ્યો હતો. આ પોલિંગ બૂથ એક સ્કૂલના શેડમાં બનાવવામાં આવ્યું હતું. અહીં લગભગ 600 લોકોની વસ્તી છે. ગુજરાતમાં એકમાત્ર ભરૂચના આલીયાબેટમાં શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરશે. અલાયદા મતદાન મથકના નિર્માણનો શ્રેય ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને જાય છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ટીવી 9ને જણાવ્યું હતું કે બેટ ઉપર એકપણ પાકી સ્ટ્રક્ચર નથી. અહીંના અલાયદા મતદાન મથકમાં રહેવા , શૌચાલય અને ગરમી -ઠંડીથી સલામતીની તમામ વ્યવસ્થા રહેશે. છેવાડાના વ્યક્તિને પણ મતાધિકાર મળે તેનો ખ્યાલ રાખવા પ્રયત્ન કરાયો છે.
આલિયા બેટ એ એક નાનો ટાપુ છે જે ભરૂચ જિલ્લામાં ભાડભૂત કિનારાની નજીક સ્થિત છે. તે નર્મદા નદી પરનો એક નાનો ટાપુ છે જેનો વિસ્તાર વિશાળ છે. અહીં પશુપાલનનો વ્યવસાય કરતા જત કોમના લોકો રહે છે.