સોમવારે ધોરણ 10 ની SSC ની પરીક્ષાનું પરિણામ (GSEB Result)જાહેર થયું છે. રિઝલ્ટ આવ્યા બાદ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. કેટલીકવાર પરિણામ અપેક્ષાથી વિપરીત આવતું હોય છે જેના કારણે વિદ્યાર્થીઓ નિરાશ થઇ જતા હોય છે. જીવનમાં એક પરીક્ષાનું પરિણામ પ્રગતિનું સ્પીડ બ્રેકર નહિ પરંતુ પ્રગતિ માટેની પ્રેરણા બનતું હોવાનું ભરૂચ જિલ્લા કલેકટર અને IAS અધિકારી તુષાર સુમેરા(Tushar Sumera – Collector Bharuch)એ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં સામાન્ય પરિણામ છતાં દેશની ખુબ મુશ્કેલ ગણાતી UPSC ની પરીક્ષાએ પાસ કરી આજે જિલ્લા કલેકટર જેવી જવાબદાર અને મહત્વપૂર્ણ ગણાતી પોસ્ટ હાંસલ કરવામાં સફળતા મેળવી છે.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ધોરણ 10 ની માર્કશીટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. આ માર્કશીટ જોતા અનુમાન લાગે કે તે કોઈ સામાન્ય વિદ્યાર્થીની હશે જેના SSC બોર્ડની પરીક્ષામાં 700 માંથી માત્ર 343 ગુણ પ્રાપ્ત થયા છે. 50 ટકા કરતા પણ ઓછા ગુણ મળવા છતાં આ માર્કશીટ જેમની છે તે તુષાર સુમેરાએ નિરાશ થઇ પોતાને સામાન્ય વિદ્યાર્થી તરીકે ન સ્વીકારી અભ્યાસ પાછળ ખુબ પરિશ્રમ શરૂ કર્યો હતો. તુષાર સુમેરાએ અથાક મહેનત અને ધ્યેય સ્થાપિત કરી આગળ જતા દેશની સૌથી કઠિન ગણાતી UPSC પરીક્ષા પાસ કરી આજે ભરૂચ જિલ્લા કલેકટર બન્યા છે.
તુષાર સુમેરાએ રાજકોટની સરકારી શાળા ચૌધરી હાઇસ્કુલમાં અભ્યાસ કરતા ધો.10ની SSC બોર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષાની માર્કશીટ જોતા આ માર્કશીટ આજના રાજ્યના ખ્યાતિ પ્રાપ્ત IAS અધિકારીની છે તેવું ક્યારેય મન સ્વીકારે નહિ. તુષાર સુમેરાનાં અંગ્રેજીમાં 35 માર્કસ, ગણિતમાં 36 માર્કસ અને વિજ્ઞાનમાં 38 માર્કસ આવ્યા હતાં. નબળા પરિણામ છતાં તેમને આર્ટસમાં એડમિશન લઈ બી.એડની ડીગ્રી પણ હાંસલ કરી હતી. કોલેજમાં અભ્યાસ દરમિયાન તેઓ અંગ્રેજી વિષયમાં નબળા હતાં. બી.એડ થયા બાદ તુષાર સુમેરાએ ચોટીલાની એક સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરી હતી. આ સમયે તેમનો પગાર માત્ર 2,500 રૂપિયા હતો.
ધોરણ 10 ની માર્કશીટના આધારે પોતાને કઠિન પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણ માટે લાયક ન હોવાનું સ્વીકારી તુષાર સુમેરા હાથ ઉપર હાથ રાખી બેસી રહ્યા હોત તો આજે એ જિલ્લા કલેકટર જેવી જવાબદાર અને મહત્વની પોસ્ટ ઉપર પહોંચી શકતે નહિ. ધોરણ 10 ના પરિણામ બાદજ તેમણે અથાક પરિશ્રમ કરવાનું નક્કી કરી લીધું હતું . ધોરણ 10 ની પરીક્ષા માંડ પાસ કરનાર તુષાર સુમેરા કલેક્ટર બનવાનું સપનું જોતા ત્યારે ક્યારેક લોકોની મજાકનો પણ ભોગ બન્યા હતા પણ ધ્યેય નિશ્ચિત હતું જેને હાંસલ કરીનેજ તેમણે સંતોષ માન્યો હતો.
2012ના વર્ષમાં આ તેમણે દેશની સૌથી કઠિન UPSC પરીક્ષા પાસ કરી IAS અધિકારી બન્યા છે.તાજેતરમાંજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલેકટર તરીકે તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઇને ટ્વીટર પર પણ પોસ્ટ કરી હતી. કુનેહના કારણે તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાને અનેક યોજનાઓના 100 ટકા કવરેજ ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બનવાનું ગૌરવ પ્રાપ્ત કરાવ્યું હતું.
Published On - 7:46 am, Tue, 7 June 22