Breaking News : પશુપાલકો માટે ખુશખબર : દુધધારા ડેરીએ ઉનાળામાં દૂધના ખરીદ ભાવમાં વધારો આપ્યો, જાણો કેટલો થશે લાભ

ભરૂચ: ઉનાળાની આકરી ગરમી વચ્ચે ભરૂચ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભરૂચની દૂધધારા ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Breaking News : પશુપાલકો માટે ખુશખબર : દુધધારા ડેરીએ ઉનાળામાં દૂધના ખરીદ ભાવમાં વધારો આપ્યો, જાણો કેટલો થશે લાભ
| Updated on: Apr 30, 2026 | 10:22 AM

ભરૂચ: ઉનાળાની આકરી ગરમી વચ્ચે ભરૂચ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભરૂચની દૂધધારા ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે મળેલી નિયામક મંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી સેંકડો પશુપાલકોની આવકમાં વધારો થશે.

ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પશુપાલકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ઉનાળાની ઋતુમાં પશુઓના નિભાવ ખર્ચમાં થતા વધારાને ધ્યાને રાખીને ડેરી દ્વારા આ પ્રોત્સાહક ભાવ વધારો આપવામાં આવ્યો છે.

પ્રતિ કિલો ફેટના નવા ભાવ

  • ગાયનું દૂધ: પ્રતિ કિલો ફેટે રૂ. 10 નો વધારો કરી હવે નવો ભાવ રૂ. 835
  • ભેંસનું દૂધ:  પ્રતિ કિલો ફેટે રૂ. 15 નો વધારો કરી હવે નવો ભાવ રૂ. 840

 

પેકિંગ બદલાવ સાથે ‘દૂધધારા ઘી’નું માર્કેટમાં રી-લૉન્ચ

માત્ર પશુપાલકો જ નહીં, પણ ગ્રાહકો માટે પણ ડેરીએ નવી ભેટ આપી છે. દૂધધારા ડેરીએ હવે 500 મિલી ઘી નવા આકર્ષક ટીન પેકિંગમાં લોન્ચ કર્યું છે.ડેરીના જણાવ્યા અનુસાર, હવે પ્લાસ્ટિક પાઉચ પેકિંગને તબક્કાવાર બંધ કરીને ટીન પેકિંગ પર ભાર મુકાશે, જેથી ગ્રાહકોને વધુ સારી ગુણવત્તા અને ફ્રેશ ઘી મળી રહે.

ઘનશ્યામ પટેલની રાષ્ટ્રીય ફલક પર વરણી

ભરૂચ માટે વધુ એક ગૌરવની વાત એ છે કે, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની પ્રેરણાથી સ્થપાયેલા ‘સરદાર પટેલ કો. ઓ. ડેરી ફેડરેશન’ ના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બદલ ડેરીના નિયામક મંડળ અને પશુપાલકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ નિર્ણયથી દૂધધારા ડેરીનો વહીવટ અને પશુપાલકો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે.

ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેમનું સૌથી મોટું યોગદાન એ રહ્યું છે કે તેમણે નાનામાં નાના પશુપાલકને ડેરીના વહીવટમાં હિસ્સેદાર બનાવ્યો છે. વિકટ આર્થિક પરિસ્થિતિઓ અને ઉનાળા જેવી કપરી ઋતુઓમાં પણ પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તેઓ હંમેશા તત્પર રહ્યા છે. ભાજપ સંગઠનમાં તેમની સક્રિયતા અને સહકારી માળખા પરની મજબૂત પકડને કારણે તેઓ માત્ર ભરૂચ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના સહકારી નેતાઓ માટે માર્ગદર્શક બન્યા છે.આ નવી રાષ્ટ્રીય જવાબદારી સાથે, ઘનશ્યામ પટેલ હવે રાષ્ટ્રીય કક્ષાએ દૂધ સંપાદનની નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Follow Us