Divyang Old Age Home : રાજ્યનો પહેલો દિવ્યાંગ વૃદ્ધો માટેનો વૃદ્ધાશ્રમ ભરૂચમાં આકાર લઈ રહ્યો છે. પુણ્ય સલિલા નર્મદા નદીના કિનારે સાડા 9 વીંઘા જમીન ઉપર કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર સામે ગુજરાતના મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલ વિશ્વના આ પેહલા દિવ્યાંગ વૃદ્ધાશ્રમ પ્રભુના ઘરના ભૂમિપૂજન માટે 19 ફેબ્રુઆરીએ પધારી રહ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા સ્થળ મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પૌરાણિક નગરી ભરૂચ હવે દિવ્યાંગો માટે અલાયદા આશ્રય સ્થાન તરીકે ઓળખ હાંસલ કરવા જઈ રહ્યું છે.
ભરૂચ તેની પવન ભૂમિ ઉપર 1.65 લાખ ચોરસ ફૂટમાં આકાર પામનાર Divyang Old Age Home નું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભરૂચમાં દેશ અને દુનિયામાં વૃદ્ધો, અનાથ, ગરીબો અને ધાર્મિક શ્રદ્ધાળુઓ માટે અનેક આશ્રમો આવેલા છે પણ દિવ્યાંગ વૃદ્ધ માટે કોઈ અલાયદું આશ્રયસ્થાન નથી. જેને મૂર્તિમંત કરી પ્રભુના ઘર તરીકે નિર્માણ કરવાનું બીડું સુરતના રહીશ પદ્મશ્રી કનુભાઈ ટેલરે ઝડપ્યું છે.
ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ એવા પદ્મશ્રી કનુ ટેલર 200 દિવ્યાંગ વૃદ્ધ નિઃશુલ્ક રહી શકે તે માટે આ વિશ્વનો પહેલો દિવ્યાંગ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યાં છે. આ વૃદ્ધાશ્રમ રિસોર્ટની અનુભૂતિ કરાવશે જેમાં સ્વિમિંગ પુલ, ગેમ ઝોન સહિતની 49 અલાયદી સુવિધા અને સવલતો ઉપલબ્ધ રહેશે
દિવ્યાંગ વૃદ્ધો માટેના વૃદ્ધાશ્રમમાં વિશાલ મુખ્ય પ્રવેશ દ્વાર , ફીચર વોલ, કોન્ફરન્સ હોલ, સિક્યુરિટી અને સર્વેલન્સ રૂમ, એડમિન ઓફિસ, સ્વચ્છ ટોયલેટ, એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ ટ્રસ્ટી ઓફિસ, અધ્યક્ષનું કાર્યાલય , ગોશાળા, કમળના તળાવ સાથેનું મંદિર, સ્વિમિંગ પૂલ, ગેમ ઝોન, લાઇબ્રેરી, શાવર અને ચેન્જિંગ રૂમ, મસાજ રૂમ, પ્રાર્થનાના હોલ, મલ્ટિપર્પઝ લોન, વીઆઇપી ગેસ્ટ હાઉસ, કિચન ડાઇનિંગ હોલ, કિચન, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર, નર્સિંગ રૂમ, ફિઝીયોથેરાપી રૂમ, ઓપીડી રૂમ, કાઉન્સલિંગ રૂમ , હાઉસકીપિંગ, લોન્ડ્રી, મલ્ટિપર્પઝ રૂમ, પાથવે જેવી સુવિધાઓ હશે.
રવિવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાતને લઈ કલેક્ટર તુષાર સુમેરાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે અગત્યની સુચનાઓ પણ આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશી, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.